Russia On Meta: ફેડરલ સર્વિસ ફોર ફાઇનાન્સિયલ મોનિટરિંગ (Rosfinmonitoring)ના ડેટાબેઝ અનુસાર, રશિયાએ મંગળવારે અમેરિકાની ટેક જાયન્ટ અને ફેસબુક-ઈંસ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાને (META) આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓની યાદીમાં મૂકી દીધી છે.
માર્ચના અંતમાં ફેસબુક - ઇન્સ્ટા પર લાગ્યો હતો પ્રતિબંધઃ
માર્ચના અંતમાં, રશિયાએ "ઉગ્રવાદી ગતિવિધિઓ" કરવા બદલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો હતો. માર્ચમાં રશિયામાં "ઉગ્રવાદી પ્રવૃત્તિ" માટે દોષિત ઠર્યા બાદ મોસ્કોની અદાલતે જૂનમાં META દ્વારા કરાયેલી અપીલને ફગાવી દીધી હતી. કોર્ટમાં, તે સમયે META કંપનીના વકીલે જણાવ્યું હતું કે, META ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સામેલ નથી અને તે રુસોફોબિયા (Russophobia) વિરુદ્ધ નથી.
ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગને આ વર્ષે મે મહિનામાં 963 અગ્રણી અમેરિકનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનો પણ સમાવેશ થાય છે, જેમના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રશિયાએ આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે તેણે યુક્રેનની ઉર્જા સુવિધાઓ પર ફરીથી હુમલા શરૂ કર્યા છે.
મેટા શું છે?
Meta Platforms Inc. Meta તરીકે વ્યવસાય કરે છે અને તે અગાઉ Facebook Inc તરીકે ઓળખાતું હતું. તે મેનલો પાર્ક, કેલિફોર્નિયા સ્થિત બહુરાષ્ટ્રીય ટેકનોલોજી ગ્રુપ છે. મેટા એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સાથે ઘણી કંપનીઓની પેરેન્ટ સંસ્થા છે. મેટા એ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક છે અને અમેઝોન, ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટની સાથે યુ.એસ.ની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સ્થાન ધરાવે છે. Metaને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક ગણવામાં આવે છે.
આ પણ વાંચો....