વિશાખાપટ્ટનમઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં ભારતનો 107 રનથી શાનદાર વિજય થયો હતો. જે ભારતની વિન્ડિઝ સામે વન ડેમાં પાંચમી સૌથી મોટી જીત છે.  ભારતે મેચ જીતવા આપેલા 388 રનના લક્ષ્યાંકની સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 43.3 ઓવરમાં 280 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવ હેટ્રિક લઈ ઈતિહાસ સર્જયો હતો. વિશાખાપટ્ટનમમાં જીત સાથે જ ત્રણ મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.


વર્લ્ડકપમાં નહોતો કરી શક્યો સારો દેખાવ

કુલદીપ યાદવ છેલ્લા થોડા સમયથી તેના ફોર્મને લઇ પરેશાન છે. વર્લ્ડકપમાં પણ તે ધાર્યા મુજબનો દેખાવ કરી શક્યો નહોતો અને તે પછી ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. જોકે આઈપીએલ હરાજીના એક દિવસ પહેલા જ બુધવારે રાત્રે વિન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

છેલ્લા 8 મહિના મુશ્કેલ રહ્યાઃ કુલદીપ

મેચ બાદ કુલદીપ આત્મવિશ્વાસથી ભરપૂર નજરે પડ્યો હતો. ઉપરાંત ખુશીની સાથે પોતાના ખરાબ સમયની પણ વાત કરી હતી. તેણે કહ્યું, આ મારા માટે સારો દિવસ છે. એક દિવસીય મેચમાં બીજી વખત હેટ્રિક, હું તેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. છેલ્લા 6-8 મહિના મારા માટે કઠિન રહ્યા. હું ખૂબ મહેનત કરી રહ્યો છું. છેલ્લા છ મહિનાથી કરી રહેલા સંઘર્ષ બાદ હવે હું સારી બોલિંગ કરી રહ્યો છું, જે મારા માટે સંતોષજનક છે. આટલું કહીને તે ભાવુક થયો હતો.

આ પછી તેણે કહ્યું, હેટ્રિક બોલ માટે કેવી બોલિંગ કરવી તેને લઈ હું મુંઝવણમાં હતો. જે બાદ મને લાગ્યું કે બીજી સ્લિપમાં ફિલ્ડર ઉભો રાખવો જોઈએ અને સ્ટંપ પર બોલિંગ કરવી પડશે. આખરે મેં તેમ કર્યું અને હેટ્રિક મળી તેનાથી ખુશ છું.


આવી રીતે લીધી હતી હેટ્રિક

33મી ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર કુલદીપ યાદવે હેટ્રિક લઈ ઈતિહાસ રચ્યો હતો. તે વન ડેમાં બીજી વખત આવું કારનામું કરનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. કુલદીપે 33મી ઓવરના ચોથા બોલ પર શાઈ હોપને 78 રનના અંગત સ્કોર પર કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જે બાદ પાંચમાં બોલ પર હોલ્ડરનું પંતે સ્ટંપિંગ કર્યું હતું. ઓવરના અંતિમ બોલ પર જોસેફને કેદાર જાધવના હાથમાં કેચ આઉટ કરાવી કુલદીપે હેટ્રિક લીધી હતી. તેની સાથે જ તેણે વન ડેમાં બીજી વખત આ હેટ્રિક લીધી હતી. આ પહેલા તેણે 2017માં કોલકાતામાં ઓસ્ટ્રેલિયા સામે પણ હેટ્રિક લીધી હતી.

ભારતના આ બોલરો લઈ ચુકયા છે વન ડેમાં હેટ્રિક

ભારત તરફથી વન ડેમાં સૌ પ્રથમ હેટ્રિક ચેતન શર્માએ લીધી હતી. 1987માં નાગપુરમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે આ કારનામું કર્યું હતું. જે પછી 1991માં શ્રીલંકા સામે કોલકાતામાં કપિલ દેવે હેટ્રિક ઝડપી હતી. આ બે ઘટના બાદ 2017માં ભારતનો કોઈ બોલર હેટ્રિક લઈ શક્યો હતો. 2019ના વર્લ્ડકપમાં મોહમ્મદ શમીએ અફઘાનિસ્તાન સામે હેટ્રિક લીધી હતી.

વન ડેમાં સૌથી વધુ મલિંગાના નામે છે હેટ્રિક

વન ડેમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાના નામે સૌથી વધુ હેટ્રિક છે. તે વન ડેમાં ત્રણ વખત આ કારનામું કરી ચુક્યો છે. જ્યારે પાકિસ્તાનના વસીમ અક્રમ અને સકલીન મુશ્તાક, શ્રીલંકાનો ચામિંડા વાસ, ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બાઉલ્ટ અને ભારતનો કુલદીપ યાદવ 2-2 વખત વન ડેમાં હેટ્રિક લઇ ચુક્યા છે.

શું શહેરી-ગ્રામીણ વિસ્તારમાં ફરી પહેરવું પડશે હેલ્મેટ ? CM રૂપાણીએ શું આપ્યું નિવેદન, જાણો વિગત

CAA Protest: દિલ્હીમાં ટ્રાફિક જામ, લાલ કિલ્લા પાસે લગાવવામાં આવી કલમ 144