Jasprit Bumrah and Shreyas Iyer Return: આગામી દિવસોમાં ભારતીય ટીમ એશિયા કપ અને વર્લ્ડકપ રમવાની છે, અને આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. હવે આ કડીમાં વધુ એક ખુશખબર ભારતીય ફેન્સ માટે સામે આવી છે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ અને બેટ્સમેન શ્રેયસ અય્યરને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. બંને ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બુમરાહ સંપૂર્ણ ફિટનેસ તરફ આગળ વધી રહ્યો છે અને તે આવતા મહિને આયર્લેન્ડ સામેની વ્હાઇટ બૉલ સીરીઝથી ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડમાં એન્ટ્રી કરવાનો છે. એટલે કે એશિયા કપ અને વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમ સાથે બુમરાહ જોડાઇ શકે છે. હાલમાં બુમરાહ નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે, જ્યાં તે ધીમે-ધીમે તેના વર્કલૉડને વધારી રહ્યો છે. સાથે જ શ્રેયસ અય્યર પણ આવું જ કરી રહ્યો છે.


'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર, અય્યર અને બુમરાહ બંને સ્ટાર ખેલાડીઓ આયર્લેન્ડ સામેની સીરીઝથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે. પીઠની ઈજાને કારણે બુમરાહે માર્ચમાં સર્જરી કરાવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને ગયા મહિનાથી બૉલિંગ શરૂ કરી હતી. બુમરાહ નેટ્સમાં પૂરી તાકાતથી બૉલિંગ કરી રહ્યો છે, જ્યાં તે 8-10 ઓવર બૉલિંગ કરી રહ્યો છે.


ભારતીય ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ બુમરાહને એશિયામાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવા માંગે છે. આ જ કારણ છે કે તે આવતા મહિને આયર્લેન્ડ સામેની સીરીઝ માટે રવાના થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બુમરાહ આયર્લેન્ડ પ્રવાસ પર જશે કે નહીં તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. વળી, બુમરાહ નેટમાં બૉલિંગ કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યો નથી. તે દરરોજ પ્રેક્ટિસ કરી રહ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે NCAમાં કેટલીક પ્રેક્ટિસ મેચ પણ રમી શકે છે.


અય્યરે પણ શરૂ કરી બેટિંગ પ્રેક્ટિસ - 
હાલના દિવસોમાં શ્રેયસ અય્યરે પણ નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બુમરાહની સાથે અય્યર પણ આવતા મહિને આયર્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ શકે છે. અય્યર તેની પીઠની ઈજાને કારણે પણ પરેશાન હતો, જેના કારણે તેને આઈપીએલ અને ડબલ્યુટીસી ફાઈનલ પણ ગુમાવવી પડી હતી. આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી દરમિયાન અય્યરને પીઠના દુઃખાવાની સમસ્યા જોવા મળી હતી.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial