Team India New Bowling Coach:  ભારતીય ક્રિકેટ ટીમને નવો બોલિંગ કોચ મળ્યો છે. BCCIએ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલને ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. મોર્ને મોર્કેલ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીથી કમાન સંભાળશે.


 


 






ક્રિકબઝે પોતાના અહેવાલમાં લખ્યું છે કે BCCI સેક્રેટરી જય શાહે મોર્ને મોર્કેલને બોલિંગ કોચ બનાવવાની પુષ્ટિ કરી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે મોર્ને મોર્કેલનો કાર્યકાળ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે.


દક્ષિણ આફ્રિકાના 39 વર્ષીય પૂર્વ બોલરને બોલિંગ કોચ બનાવવાની ચર્ચા પહેલાથી જ થઈ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મોર્કેલને બોલિંગ કોચ બનાવવાની માંગ કરી હતી. બંનેએ IPL ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ સાથે કામ કર્યું છે.


બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી પ્રથમ અસાઈમેન્ટ
મોર્ને મોર્કેલનું પ્રથમ અસાઈમેન્ટ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી હશે. 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ શ્રેણીમાં 2 ટેસ્ટ અને 3 T-20 મેચ રમાશે.


12 વર્ષની મોર્કેલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 
મોર્ને મોર્કેલ 2006 થી 2018 વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો છે. આ સમયગાળા દરમિયાન, તેણે 86 ટેસ્ટ, 117 ODI અને 44 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.


મોર્કેલ પાકિસ્તાનનો બોલિંગ કોચ રહી ચૂક્યો છે
મોર્કેલ પાકિસ્તાન ક્રિકેટ ટીમના બોલિંગ કોચ રહી ચૂક્યો છે. વર્લ્ડ કપ 2023માં નિરાશાજનક પ્રદર્શન બાદ તેણે પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મોર્કેલ ગયા વર્ષે જૂનમાં છ મહિનાના કરાર પર પાકિસ્તાની ટીમ સાથે જોડાયો હતો. કરાર પૂરો થાય તે પહેલા રાજીનામું આપી દીધું.


મોર્કેલ ગંભીરની પહેલી પસંદ હતો
શાહે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, 'હા, મોર્ને મોર્કેલને સિનિયર ભારતીય પુરૂષ ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.' દક્ષિણ આફ્રિકાના 39 વર્ષીય મોર્કેલ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પ્રથમ પસંદગી હતો. બંનેએ આઈપીએલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સમાં સાથે કામ કર્યું છે. મોર્કેલે દક્ષિણ આફ્રિકા માટે 86 ટેસ્ટ, 117 ODI અને 44 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેણે કુલ 544 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે.