26 માર્ચથી યોજાનારી IPL 2022ની 15મી સીઝનમાં 25 ટકાથી વધુ પ્રેક્ષકો મેચ જોવા માટે એન્ટ્રી મળી શકે છે. જોકે રાજ્ય સરકારની પ્રારંભિક પરવાનગી સ્ટેડિયમના એક ચતુર્થાંશ કદ માટે જ છે, તેમ છતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને વિશ્વાસ છે કે લીગ આગળ વધતાં વધુ દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. બીસીસીઆઈના એક અધિકારીએ સોમવારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તે અમારી સમજની બહાર છે. આગળ જતાં, સ્ટેડિયમોમાં પ્રારંભિક મેચો કરતાં વધુ દર્શકો હશે. કોરોનાના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે, અમે સ્ટેડિયમમાં વધુ દર્શકોની અપેક્ષા રાખીએ છીએ.
પ્રારંભિક અંદાજ મુજબ, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 9800 થી 10 હજાર દર્શકો મેચ જોઈ શકશે, જ્યારે પડોશી બ્રેબોર્ન સ્ટેડિયમ કે જેની ક્ષમતા લગભગ 28 હજારની છે, તેમાં સાતથી આઠ હજાર દર્શકો હશે. જ્યારે નેરુલમાં ડીવાય પાટિલ સ્ટેડિયમ, જે કદમાં મોટું છે, તેમાં 11,000 થી 12,000 દર્શકોને મંજૂરી મળી શકે છે, અને પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ શરૂઆતમાં 12,000 દર્શકોને મંજૂરી મળશે તેવી અટકળો છે. મેદાનમાં દર્શકોની એન્ટ્રીને લઈને BCCI અતિ ઉત્સાહિત છે.
બોર્ડે કોલકાતા, ધર્મશાળા, મોહાલી અને બેંગલુરુમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામેની તાજેતરની આંતરરાષ્ટ્રીય મેચો માટે પ્રેક્ષકોની હાજરી પર સંતોષ વ્યક્ત કર્યો છે. બીસીસીઆઈના સચિવ જય શાહે રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમે પહેલા વેસ્ટ ઈન્ડિઝ અને હવે શ્રીલંકાની ટીમ સામે ઘરઆંગણે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને શાનદાર પ્રદર્શન કર્યું છે. બેંગલુરુમાં પિંક બોલ ટેસ્ટ મેચમાં સ્ટેન્ડ ભરાઈ ગયા હતા અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ત્રણેય વિભાગોમાં વિરોધીઓને મ્હાત આપી હતી.
બાયો-બબલ અંગે કે.એલ રાહુલનું નિવેદન
કે.એલ રાહુલે કોરોના મહામારીમાં ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતા બાયો-બબલ્સના નિયમોના કારણે થતી સમસ્યાઓની પીડા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, બાયો-બબલમાં પોતાની જાતને પ્રેરિત રાખવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આમાં જીવન માત્ર સૂવા, ઉઠવા અને મેદાન પર જવા પુરતું જ સીમિત થઈ જાય છે.
'ક્લબહાઉસ એપ' પર વાતચીત દરમિયાન જ્યારે કે.એલ રાહુલને બાયો-બબલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, 'શરૂઆતમાં બાયો-બબલ ઘણું સારું હતું, પરંતુ પછીથી સમસ્યાઓ શરૂ થઈ. મારી જાતને પ્રેરિત રાખવી મારા માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. મેં શરુઆતમાં બધુ મેનેજ કર્યું. આ દરમિયાન હું મારી જાતને પૂછતો રહ્યો કે હું બીજું શું કરી શકું? હું બીજે ક્યાં જઈ શકું? પછી હું પોતે આ સવાલોના જવાબ આપતો હતો કે ક્રિકેટ જ એક એવી વસ્તુ છે જેમાં હું સારો છું અને તે જ વસ્તુ છે જે મેં પસંદ કરી છે, એટલે બધું જ બરાબર છે.