જયપુરઃ ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. 19મી ઓવરના ચોથા બોલ પર ઋષભ પંતે ચોગ્ગો મારીને ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો. એક સમયે ટીમ ઇન્ડિયા સરળતાથી મેચ જીતી જશે તેવું લાગતું હતું પરંતુ ન્યૂઝિલેન્ડના બોલરોએ શાનદાર દેખાવ કરી મેચને રોમાંચક તબક્કામાં લાવી દીધી હતી. ભારત તરફથી રોહિત શર્મા 48 અને સૂર્યકુમાર યાદવ 62 રન બનાવી ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.


ન્યૂઝિલેન્ડે માર્ટીન ગુપ્ટીલના 70 અને માર્ક ચેપમેનના 63 રનની મદદથી છ વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ સૂર્યકુમાર યાદવના 62 રન અને રોહિત શર્માના 48 રનની મદદથી પાંચ વિકેટ ગુમાવી 166 રન કરી મેચ જીતી લીધી હતી. ઋષભ પંતે 17 બોલમાં અણનમ 17 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.






પ્રથમ ટી-20 મેચમાં ન્યૂઝિલેન્ડે ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝિલેન્ડ તરફથી સૌથી વધુ માર્ટીન ગુપ્ટિલે 70 રન ફટકાર્યા છે. તે સિવાય ચેપમેને 63 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ટિમ સિફર્ટે 12. રચિન રવિન્દ્રએ સાત રન બનાવ્યા હતા. મિશેલ સેન્ટનર ચાર બનાવી અણનમ રહ્યો હતો. ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સ ખાતુ ખોલ્યા વિના આઉટ થયા હતા. ભારત તરફથી ભૂવનેશ્વર કુમાર અને આર.અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી. તે સિવાય મોહમ્મદ સિરાજ અને દીપક ચહકે એક-એક વિકેટ ઝડપી હતી.