IND vs SA: ડેવિડ મિલરને આઈપીએલથી મળેલો આત્મવિશ્વાસ ભારત સામેની સીરિઝમાં પણ જળવાઈ રહેશે તેવી આશા સાથે સાઉથ આફ્રિકાના મર્યાદિત ઓવરોના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું કે, તે રાષ્ટ્રીય ટીમ માટે તેના બેટીંગ ઓર્ડરમાં આવેલા પરિવર્તન અંગે વાત કરી શકે છે. મિલરે ગુજરાત ટાઇટન્સ તરફથી આઇપીએલમાં શાનદાર બેટિંગ કરતા પોતાની પહેલી સિઝનમાં જ આઇપીએલનું ટાઇટલ જીત્યું હતું.


મિલરને લઈ શું કહ્યું બાવુમાએ


બાવુમાએ ભારત રવાના થતા પહેલા કહ્યું, "ખેલાડીઓને ફોર્મમાં જોઈને હંમેશા સારું લાગે છે. ડેવિડ જેવા ખેલાડીએ ગુજરાત ટાઇટન્સ સાથે આઇપીએલનો ખિતાબ જીત્યો હતો અને હવે તે આત્મવિશ્વાસ સાથે ટીમમાં આવ્યો છે. તેણે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું હતું અને મને આશા છે કે આ લય ચાલુ રહેશે. તે ટીમનો અભિન્ન ભાગ છે અને અમને તેના પર વિશ્વાસ છે અને અમે તેમ કરવાનું ચાલુ રાખીશું. જો તેને એવું લાગે છે તો અમે તેને બેટિંગ કરવા માટે વધુ સમય આપવાની કવાયતમાં તેના ક્રમમાં ફેરફાર કરી શકીએ છીએ. અમે ટીમમાં તેનું મજબૂત સ્થાન જોઈએ છીએ અને તમામ ખેલાડીઓને સારું પ્રદર્શન કરવામાં મદદ કરવા માટે તૈયાર છીએ."


બ્રેવિસ વિશે શું કહ્યું બાવુમાએ


મુંબઈ ઈન્ડિયન્સ માટે સારો દેખાવ કરનારા દેવાલ્ડ બ્રેવિસ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે તેને પોતાની કુશળતાને નિખારવા માટે સમય આપવાની જરૂર છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો નથી. તેને તેની રમતને સુધારવા અને સમજવાની તક આપવી જોઈએ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દબાણ હેઠળ તેને તત્કાળ અટકાવી દેવો ન જોઈએ. તેણે તેને થોડો સમય આપવો પડશે."


સાઉથ આફ્રિક સામે ટી-20 સીરિઝની જાહેર થયેલી ભારતીય ટીમ


ભારતે સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી-20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા ખેલાડીઓને ટીમમાં સ્થાન અપાયું છે. હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે કુલ્ચાની જોડીને પણ ફરી સ્થાન મળ્યું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમદ શમી, જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.


કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન. દીપક હુડા, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક


T20 સીરીઝનો કાર્યક્રમઃ
પહેલી મેચ - 9 જૂન, અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી
બીજી મેચ - 12 જૂન, બારાબતી સ્ટેડિયમ, કટક
ત્રીજી મેચ - 14 જૂન, વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
ચોથી મેચ - 17 જૂન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમ, રાજકોટ
પાંચમી મેચ - 19 જૂન, એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર