દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ જૂન મહિનામાં ભારતના પ્રવાસે આવશે. દક્ષિણ આફ્રિકાની ટીમ 9 જૂનથી 19 જૂન સુધી ટીમ ઈન્ડિયા સામે 5 T20 મેચ રમશે. આ મેચો દિલ્હી, કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગ્લોરમાં રમાશે. આ દરમિયાન સીરિઝ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, BCCIએ નિર્ણય લીધો છે કે આ સિરીઝ દરમિયાન કોઈ બાયો-બબલ નહીં હોય. ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્યને તાજું રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં બાયો બબલ નહીં હોયઃ
કોરોના મહામારી દરમિયાન, તમામ શ્રેણીમાં બાયો-બબલ ફરજીયાત બનાવવામાં આવ્યું હતું જેથી કરીને ખેલાડીઓને કોરોના સંક્રમણથી બચાવી શકાય. આઈપીએલ 2022 સીઝન પણ બાયો-બબલમાં રમાઈ રહી છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, જો બધું બરાબર રહ્યું અને પરિસ્થિતિ નહીં બગડે તો દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ દરમિયાન કોઈ બાયો-બબલ અને કડક કોરોના પ્રોટોકોલ નહીં હોય.


ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસમાં પણ કોઈ બાયો બબલ નહીંઃ
બીસીસીઆઈના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમના ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ કોઈ બાયો-બબલ નહીં હોય. તેમણે કહ્યું કે, આપણે જાણીએ છીએ કે લાંબા સમય સુધી બાયો-બબલમાં રહેવું સરળ નથી. Bio-bubbles માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. સાથે જ તેમણે કહ્યું કે ભારતીય ટીમના ખેલાડીઓ ઇચ્છે છે કે, ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બાયો-બબલ ન હોય અને તેમને મોકળું વાતાવરણ મળવું જોઇએ. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા લગભગ 3 અઠવાડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પર હશે. આ દરમિયાન 1 ટેસ્ટ મેચ અને 6 વન-ડે મેચ રમાશે.


આ ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામે આરામ મળી શકેઃ
સતત ક્રિકેટ રમીને થાકને કારણે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાને ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા આરામ આપવામાં આવી શકે છે. 9 જૂનથી 19 જૂન સુધી ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે 5 T20 મેચ રમશે. બધા ખેલાડીઓ બધી મેચો નહીં રમે. આ શ્રેણી દરમિયાન કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવશે, જ્યારે કેટલાક ખેલાડીઓ બધી મેચો રમી શકશે નહીં. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે જો ખેલાડીઓને ચોક્કસ સમયે આરામ આપવામાં નહીં આવે તો તે નુકસાનકારક રહેશે. તે જ સમયે, તેમણે કહ્યું કે, તે બીસીસીઆઈ પર નિર્ભર કરે છે કે તે શું નિર્ણય લે છે.