નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ આવતા મહિનાની શરૂઆતમાં ઈગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. નોંધનીય છે કે ગયા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ કોવિડ-19ના કેસને કારણે છેલ્લી ટેસ્ટ મેચ રમી શકી ન હતી. ચાર ટેસ્ટ મેચ બાદ ટીમ ઈન્ડિયા હાલમાં 2-1થી આગળ છે અને આ મેચમાં ડ્રો અથવા જીત નોંધાવીને તે સીરિઝ જીતી લેશે.
આ મહત્વપૂર્ણ મેચ પહેલા ઈંગ્લેન્ડ માટે નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે. ટીમના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને લીડ્ઝમાં આજથી (23 જૂન) શરૂ થઈ રહેલી ન્યૂઝિલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી. કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે એન્ડરસનને પગમાં ઈજા હોવાના કારણે તે ત્રીજી ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં.
શું કહ્યું બેન સ્ટોક્સે?
બેન સ્ટોક્સે કહ્યું હતું કે દુર્ભાગ્યવશ જિમીની તબિયત સારી નથી તેથી જેમી ઓવરટન આ સપ્તાહમાં ડેબ્યૂ કરશે. અમારે ભારત સામે મોટી ટેસ્ટ મેચ પણ રમવાની છે. સાચું કહું તો મને ખાતરી નથી કે તેની ઈજા કેટલી ગંભીર છે. આવી સ્થિતિમાં એન્ડરસન માટે ભારત સામેની ટેસ્ટ મેચમાં પણ રમવું મુશ્કેલ જણાય છે.
ભારત સામે શાનદાર રેકોર્ડ
ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચમાં કુલ 72.4 ઓવર બોલિંગ કર્યા બાદ એન્ડરસનમાં ઇજા પહોંચી છે. 39 વર્ષીય એન્ડરસન માટે તેની ઉંમર સૌથી મોટો અવરોધ છે. એન્ડરસન ઈંગ્લેન્ડમાં ભારત વિરુદ્ધ ખૂબ જ ઘાતક સાબિત થાય છે. એન્ડરસને અત્યાર સુધી ભારત સામે ઇગ્લેન્ડમાં 21 ટેસ્ટમાં 99 વિકેટ ઝડપી છે.
સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ (651) વિકેટ લેવા મામલે એન્ડરસન હાલમાં ત્રીજા ક્રમે છે. મુથૈયા મુરલીધરન (800) અને શેન વોર્ન (708)એ એન્ડરસન કરતાં વધુ વિકેટ ઝડપી છે. આગામી સમયમાં એન્ડરસન શેન વોર્નને પાછળ છોડી શકે છે. જેમ્સ એન્ડરસને 194 વન-ડે ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે, જેમાં તેના નામે 269 વિકેટ છે.
જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ