INDvsSA: આ વર્ષના T20 વર્લ્ડ કપમાં ફાઇનલ મેચ માટે હવે માત્ર થોડા કલાકની જ વાર છે.  બે મજબૂત ટીમો ભારત અને દક્ષિણઆફ્રિકા વચ્ચે મહામુકાબલો રમાશે. બંને ટીમોએ એક પણ મેચ ગુમાવી નથી. ભારત સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યારે દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું હતું.


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઇનલ મેચ બાર્બાડોસમાં 29 જૂન શનિવારના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ 11 વર્ષના દુકાળને ખતમ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા લગભગ 11 વર્ષથી કોઈ પણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ પાસે પ્રથમ વખત ICC ટ્રોફી જીતવાની તક છે.


શું તમે જાણો છો કે દક્ષિણ આફ્રિકાના આ ખેલાડીએ પહેલા જ ભવિષ્યવાણી કરી હતી કે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. દક્ષિણ આફ્રિકાના ખેલાડી કેશવ મહારાજે આઈપીએલ 2024 દરમિયાન 16 મેના રોજ એક ઈન્ટરવ્યુમાં આ ભવિષ્યવાણી કરી હતી.






કેશવ મહારાજ રાજસ્થાન રોયલ્સ ટીમનો હિસ્સો છે અને આરઆરને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે માત્ર દક્ષિણ આફ્રિકા અને ભારત જ ફાઈનલ રમશે.


હવે તેનો આ વીડિયો ફાઈનલ ટૂર્નામેન્ટ પહેલા ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો તેને ક્રિકેટ છોડીને જ્યોતિષ તરીકે કામ કરવાની સલાહ આપી રહ્યા છે તો કેટલાક તેની બોલ્ડ ભવિષ્યવાણીના વખાણ કરી રહ્યા છે. 


વિજેતાને મળશે લગભગ 20 કરોડ 
ટી20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકા આમને સામને ટકરાશે અને તેમાંથી જે પણ વિજેતા બનશે તેને ભારતીય ચલણમાં લગભગ 20.4 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. બીજીતરફ, રનર્સ અપને આમાંથી અડધુ એટલે કે 10.6 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ વર્લ્ડકપમાં સૌથી નીચું સ્થાન મેળવનારી ટીમોને પણ પૈસા આપવામાં આવશે. સેમિફાઇનલમાં હારનારી ટીમો પણ અમીર બનશે, કારણ કે તે બંને ટીમોને 6.5 કરોડ રૂપિયા મળવાના છે.