IPL 2024, Hardik Pandya: IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સમાં જવુ સતત ચર્ચામાં છે. પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હાર્દિકને કેશ ડિલમાં ટ્રેડ કર્યો અને પછી તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો. ગત સિઝનમાં (IPL 2023) ગુજરાતની કમાન સંભાળનાર હાર્દિકનું અચાનક ફ્રેન્ચાઈઝી છોડીને મુંબઈ પાછા ફરવાનું લોકને પસંદ નથી આવ્યું. પરંતુ હવે રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈની ટીમે હાર્દિક પંડ્યા માટે ગુજરાતને 100 કરોડ રૂપિયા આપ્યા છે. સોશિયલ મીડિયા પર સતત હાર્દિક પંડ્યાને લઈ ચર્ચાઓ ચાલી રહી છે.  તમામ લોકો તેના વિશે સતત વાતો કરી રહ્યા છે.

  


'ઈન્ડિયન એક્સપ્રેસ'ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાનો હિસ્સો બનાવવા માટે 15 નહીં પરંતુ 100 કરોડ રૂપિયાની મોટી રકમ આપી હતી. હાર્દિક પંડ્યાના ટ્રેડથી ગુજરાત ટાઇટન્સને ઘણો ફાયદો થયો છે.


હાર્દિકે IPLની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સથી જ કરી હતી


હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે 2021 સુધી મુંબઈનો ભાગ રહ્યો હતો. આ પછી ગુજરાત ટાઇટન્સે 2022માં યોજાયેલી મેગા ઓક્શનમાં હાર્દિકને 15 કરોડ રૂપિયાની કિંમત આપીને પોતાનો હિસ્સો બનાવ્યો હતો. ગુજરાતે ટીમની કમાન હાર્દિકને સોંપી અને IPL 2022 દ્વારા ડેબ્યૂ કરનાર હાર્દિક તેની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન બન્યો. આ પછી, આગામી સિઝનમાં (IPL 2023) હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચી અને રનર-અપ રહી.


પરંતુ IPL 2024 માટે મિની ઓક્શન પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરશે અને એવું જ થયું. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને પછી ફ્રેન્ચાઈઝીએ તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો.


હાર્દિકની આઈપીએલ કરિયર અત્યાર સુધી આવી રહી છે


હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 123 IPL મેચ રમી છે, 115 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઇક રેટથી 2309 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 અડધી સદી ફટકારી હતી. આ સિવાય તેણે 81 ઇનિંગ્સમાં બોલિંગ કરતા 33.26ની એવરેજથી 53 વિકેટ ઝડપી હતી.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial