Team India Medical Update: ભારતના પાંચ શ્રેષ્ઠ ખેલાડીઓ ઈજાના કારણે ટીમની બહાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓના મેડિકલ અપડેટ આપ્યા છે. બોર્ડે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, બેટ્સમેન કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, પ્રસિદ્ધ કૃષ્ણા અને ઋષભ પંતના ફિટનેસને લઈ અપડેટ્સ આપ્યા છે.ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને જણાવ્યું કે આ ખેલાડીઓએ પરત ફરવા માટે કેટલી તૈયારી કરી છે. બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા અંતિમ તબક્કામાં છે. જ્યારે રાહુલ અને અય્યર નેટ્સમાં બેટિંગ કરી રહ્યા છે. ઋષભ પંત રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓના મેડિકલ અપડેટ આપ્યા
BCCIએ જણાવ્યું કે બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા નેટ્સમાં ઘણી ઓવરો સુધી બોલિંગ કરી રહ્યા છે. આ બંને બોલર રિહેબ પૂર્ણ કરીને અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. આ બંને બોલર નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા આયોજિત પ્રેક્ટિસ મેચ રમશે. મેડિકલ ટીમ પ્રેક્ટિસ મેચ બાદ આ બંને અંગે અંતિમ નિર્ણય લેશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરને લઈને મોટું અપડેટ આપ્યું છે. આ બંને બેટ્સમેન ફિટનેસ ડ્રિલમાંથી પસાર થઈ રહ્યા છે. રાહુલ-અય્યરે નેટ્સમાં બેટિંગ શરૂ કરી દીધી છે. BCCIની મેડિકલ ટીમ આ બંનેની પ્રોગેસથી ખુશ છે. હવે બંનેની સ્ટ્રેન્થ અને સ્કિલ પર કામ કરવામાં આવશે. બોર્ડે ઋષભ પંત વિશે જણાવ્યું કે તે રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે નેટ્સમાં બેટિંગ શરૂ કરી દીધી છે. તેમના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આમાં તેની સ્ટ્રેન્થ અને રનિંગ પર કામ કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે, બુમરાહે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ સપ્ટેમ્બર 2022માં રમી હતી. આ પછી તે ઈજાના કારણે ટીમમાં પરત ફરી શક્યો નહોતો. બુમરાહ આઈપીએલ 2023માં પણ રમ્યો ન હતો. શ્રેયસ અય્યરે ભારત માટે છેલ્લી મેચ માર્ચ 2023માં રમી હતી. અય્યર પણ ઈજાના કારણે IPL 2023માં રમી શક્યો ન હતો.
BCCIએ જણાવ્યું કે ઋષભ પંત માટે ખાસ તાલીમ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તેની સ્ટ્રેન્થ અને રનિંગ પર કામ કરવામાં આવી રહ્યું છે. તેનાથી પંતને મેદાનમાં પરત ફરવામાં મદદ મળશે. તેણે નેટ્સમાં બેટિંગ શરૂ કરી દીધી છે.