Rinku Singh Hit 3 Sixes In Super Over: વર્ષ 2023 રિંકૂ સિંહ માટે તેની ક્રિકેટ કારકિર્દીમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ સાબિત થયું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનમાં સતત 5 સિક્સર ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સને જીતાડનાર રિંકૂએ હવે ફરીથી કમાલ કર્યો છે. 30 ઓગસ્ટથી શરૂ થયેલી ઉત્તર પ્રદેશ ટી-20 લીગની પ્રથમ સીઝનની ત્રીજી મેચમાં રિંકૂએ સુપર ઓવરમાં સતત 3 સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. જેના કારણે મેરઠ મેરવિક્સની ટીમે કાશી રુદ્રાસ સામે રોમાંચક જીત નોંધાવી હતી. 






UP T20 લીગની ત્રીજી મેચમાં મેરઠની ટીમનો સામનો કાશી સામે હતો. બંન્ને દાવ પૂર્ણ થયા બાદ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આવી સ્થિતિમાં કાશી રુદ્રાસની ટીમે સુપર ઓવરમાં 6 બોલમાં 16 રન બનાવીને મેરઠને 17 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિવ્યાંશ જોશીને મેવેરિક્સ માટે ઇનિંગ્સ શરૂ કરવા માટે રિંકૂ સિંહ સાથે મોકલવામાં આવ્યો હતો.






સુપર ઓવરનો પહેલો બોલ ડોટ રહ્યો હતો તે પછી રિંકૂએ ડાબોડી સ્પિનર ​​શિવા સિંહના બોલ પર સિક્સ ફટકારી હતી. બાદમા રિંકૂએ ઓવરના ત્રીજા બોલ પર મિડ-વિકેટ પર સિક્સ ફટકારી હતી. બાદમાં ચોથા બોલ પર રિંકૂએ સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી.                      


રિંકૂ સિંહે સુપર ઓવરમાં પોતાની ટીમને જીત અપાવ્યા બાદ કહ્યું હતું કે આ એક શાનદાર અહેસાસ છે કારણ કે આવી પરિસ્થિતિ આઇપીએલમાં પણ બની હતી. સુપર ઓવર સુધી ખૂબ જ સારી મેચ હતી. મેં વિચાર્યું કે મારે બને એટલું શાંત રહેવું જોઈએ, જે મેં આઈપીએલમાં કર્યું અને એ જ રીતે 3 સિક્સ ફટકારી અને ટીમને જીત અપાવી હતી.