Women's IPL Auction 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં ખેલાડીઓની હરાજી માટે મોટો નિર્ણય લીધો છે. 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનારી ખેલાડીઓની હરાજી મહિલા ઓક્શનર કરશે. વુમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સીઝનમાં 5 ફ્રેન્ચાઈઝી ભાગ લઈ રહી છે અને BCCIએ હરાજી માટે મુંબઈ સ્થિત મલ્લિકા અડવાણીની પસંદગી કરી છે.
અગાઉ, જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓની હરાજીની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હ્યુ એડમ્સ, રિચર્ડ મેડલી અને ચારુ શર્માએ હરાજી કરનારની ભૂમિકા ભજવી હતી. બીસીસીઆઈ દ્વારા તમામ પાંચેય ફ્રેન્ચાઈઝીઓને મહિલા ખેલાડીઓની હરાજી અંગેના નિયમો વિશે પણ જાણ કરવામાં આવી છે.
તમામ ફ્રેન્ચાઈઝીઓએ પોતાની ટીમમાં ઓછામાં ઓછા 15 ખેલાડીઓને સામેલ કરવા માટે ઓછામાં ઓછા 9 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. તમામ ફ્રેન્ચાઇઝીઓને 12 કરોડ રૂપિયાની પર્સ વેલ્યુ આપવામાં આવી છે, જેમાં તેઓ પોતાની ટીમમાં વધુમાં વધુ 6 વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે.
બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલી મહિલા આઈપીએલ વિશેની માહિતીમાં તેણે કહ્યું હતું કે એક ટીમે પોતાની ટીમમાં ઓછામાં ઓછા 15 ખેલાડીઓને સામેલ કરવા પડશે, જ્યારે મહત્તમ મર્યાદા 18 સુધીની રહેશે. નોંધનીય છે કે મહિલા આઈપીએલને લઈને કુલ 409 ખેલાડીઓએ પોતાના નામ આપ્યા છે, જેમાંથી 246 ભારતીય અને 163 વિદેશી ખેલાડીઓ છે.
આ રીતે હરાજી દરમિયાન બિડિંગ પ્રક્રિયા ચાલશે
13 ફેબ્રુઆરીએ યોજાનારી હરાજી પ્રક્રિયા દરમિયાન બીસીસીઆઈએ ખેલાડીઓની બોલી અંગે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. આમાં જ્યાં સુધી કોઈ ખેલાડીની બોલી 1 કરોડ રૂપિયાથી ઓછી હોય ત્યાં સુધી તેમાં 5-5 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ પછી 1 કરોડથી 2 કરોડ રૂપિયા સુધી 10 લાખ અને 2 થી 3 કરોડ સુધી 20 લાખ રૂપિયા વધારી દેવામાં આવશે. બીજી તરફ, જો તે 3 કરોડ રૂપિયાથી વધુ છે, તો તે હરાજી કરનાર પર નિર્ભર કરશે કે તે કેટલું વધારે છે પરંતુ તે 20 લાખ રૂપિયાથી ઓછું નહીં હોય.
મહિલા ખેલાડીઓની હરાજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં બપોરે 2.30 કલાકે યોજાશે. જેમાં દરેક સેટ પછી ફ્રેન્ચાઇઝીઓને 10-10 મિનિટનો બ્રેક પણ મળશે.