કોલકાતાઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતામાં રમાયેલી ડે નાઇટ ટેસ્ટના ત્રીજા દિવસે જ ભારતનો એક ઈનિંગ અને 46 રનથી વિજય થયો હતો. બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 195 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. હાર્મસ્ટ્રિંગના કારણે ગઈકાલે મેદાન છોડીને જતો રહેલો મહમુદુલ્લાહ (39 રન) આજે રમતમાં આવ્યો નહોતો. બાંગ્લાદેશ તરફથી રહીમે 74 રન બનાવી ભારતીય બોલરનો પ્રતિકાર કર્યો હતો. ભારત તરફથી બીજી ઈનિંગમાં ઉમેશ યાદવે 5 અને ઈશાંત શર્માએ 4 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશને ઈનિંગ સાથે હરાવવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતે સતત ચોથી વખત આ રીતે જીતીને ઈતિહાસ સર્જયો હતો. બાંગ્લાદેશનો સીરિઝમાં 2-0થી વ્હાઇટ વોશ થયો હતો. આ પહેલા ભારતે સાઉથ આફ્રિકાને પણ બંને ટેસ્ટમાં ઈનિંગથી હરાવ્યું હતું.


બીજા દિવસના અંતે આવી હતી બાંગ્લાદેશની સ્થિતિ

બાંગ્લાદેશની ટીમે બીજી ઈનિંગમાં બીજા દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા હતા. રહીમ 59 રને રમતમાં હતો. મહમુદુલ્લા 39 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. ભારત તરફથી ઈશાંત શર્માને 4 અને ઉમેશ યાદવને 2 સફળતા મળી હતી.


ભારતે 347/9 પર દાવ ડિકલેર કર્યો

બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગ 347/9 પર દાવ ડિકલેર કર્યો હતો. સાહા 17 અને શમી 10 રને નોટ આઉટ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 136 રન બનાવ્યા હતા. સદી ફટકારવાની સાથે જ કોહલી ભારત તરફથી ડે નાઇટ ટેસ્ટમાં સદી મારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. ચેતેશ્વર પૂજારાએ 55 અને અજિંક્ય રહાણે 51 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી અલ અમીન હોસન અને ઇબાદત હોસને 3-3 તથા અબુ જાયેદે 2  વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તેની પ્રથમ ઈનિંગમાં 106 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હોવાથી ભારતને પ્રથમ ઈનિંગમાં 241 રનની લીડ મળી હતી.

પ્રથમ દિવસે પુજારા ડે નાઇટ ટેસ્ટમાં અડધી સદી ફટકારનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

પ્રથમ દિવસના અંતે ભારતે 3 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા. પુજારાએ 55 રન બનાવ્યા હતા અને તે ભારત તરફથી ડે નાઇટ ટેસ્ટમાં અડધી સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. રોહિત શર્મા 21 અને મયંક અગ્રવાલ 14 રને આઉટ થયા હતા.


પ્રથમ ઈનિંગમાં ઈશાંતની આંધીમાં ઉડ્યું બાંગ્લાદેશ

આ પહેલા બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ 106 રનમાં જ સમેટાઇ હતી. ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો મહેમાન ટીમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. તેમના માટે ઓપનર એસ ઇસ્લામે સર્વાધિક 29 રન કર્યા હતા. ભારત માટે ઇશાંત શર્માએ 5, ઉમેશ યાદવે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. ઇશાંતે ઘરઆંગણે 12 વર્ષ પછી પાંચ વિકેટ લીધી હતી.

અજીત પવારને મનાવવામાં લાગ્યુ NCP, જયંત પાટિલ કરશે મુલાકાત