IPL 2022 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. સોમવારે પંજાબ કિંગ્સ (PBKG) સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવીન્દ્ર જાડેજાની આગેવાનીમાં ચેન્નાઈની ટીમે અત્યાર સુધીમાં 8 મેચો રમી છે. જેમાંથી ફક્ત 2 મેચો જ જીતી છે અને 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ ચેન્નાઈ 4 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં 9મા નંબર પર છે.


CSKને જીતવી પડશે 6 મેચઃ
8 મેચમાંથી 6 મેચ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઑફમાં પહોંચવાની આશાઓ ઓછી દેખાઈ રહી છે. પરંતુ CSKના ચાહકોના મનમાં હજી પણ એક સવાલ છે કે શું તેમની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઑફમાં જગ્યા બનાવી શકશે કે નહી? હકીકતમાં ચેન્નાઈએ પોતાની પ્લેઑફમાં પહોંચવાની આશાઓ જીવંત રાખવા માટે બાકી બચેલી 6 મેચો જીતવી પડશે. સાથે જ બીજી ટીમોના પ્રદર્શન ઉપર પણ નિર્ભર રહેવું પડશે.


રન રેટ પણ સુધારવી પડશેઃ
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે ટીમની રન રેટ પણ ચિંતાનો વિષય બનેલી છે. હાલ CSK ની નેટ રન રેટ -0534 છે. જાડેજાની ટીમને પોતાના આગામી તમામ મુકાબલામાં જીત મેળવવાની સાથે-સાથે રન રેટ પણ સુધારવી પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સની હવે પછીની મેચ 1 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાવાની છે. આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે.


રાયડુની તોફાની ઇનિંગ્સ છતાં CSK હાર્યુંઃ
આ પહેલાં સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને પંજાબ કિંગ્સ (PBKG) સામેની મેચમાં 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સ (PBKG)એ શિખર ધવનના અણનમ 88 રનના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે જીતવા માટે 20 ઓવરમાં 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ચેન્નાઈની ટીમ અંબાતી રાયડુની 39 બોલમાં 78 રનની ઇનિંગ હોવા છતાં 11 રનથી હારી ગઈ હતી. રાયડુ સિવાય ઓપનર ઋતુરાજ ગાયકવાડે 30 રન બનાવ્યા હતા.