અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સે આઈપીએલનું ટાઈટલ જીતી ઈતિહાસ રચ્યો છે. ત્યારે આજે ગુજરાત ટાઈટન્સની ટીમના ખેલાડીઓ અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર રોડ શો કરવાના છે. આ પહેલાં ટીમના ખેલાડીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવા ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને ખાતે પહોંચ્યા હતા. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા, ફાઈનલ મેચના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ સહિતના તમામ ખેલાડીઓ અમદાવાદની હ્યાત હોટલથી બસમાં ગાંધીનગર પહોંચ્યા હતા. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.


ખેલાડીઓની સાઈન વાળું બેટ અપાયુંઃ
મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓની સાઈન વાળું બેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભેટમાં અપાયું હતું. આ બેટની હરાજી કરવામાં આવશે અને તેમાંથી જે રકમ આવશે તે ગુજરાતમાં કન્યા કેળવણી માટે વાપરવામાં આવશે. 


CM સાથે હાર્દિક પંડ્યાનો સંવાદઃ
આ દરમિયાન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, હું ગુજરાતી કલ્ચરમાં એક જ વસ્તુ થી દુર રહ્યો છું અને તે છે, ગરબા. જે સમયે નવરાત્રી હોય તે સમયે મેચ હોવાથી હું ગરબાના રમી શક્યો નથી. ગુજરાતના ફેન્સ તરફથી અમને ઘણો પ્રેમ મળ્યો છે. 


હાર્દિકે પોતાના ફેવરીટ ફુડ વિશે જણાવતાં કહ્યું કે, મને ખીચડી બહું ભાવે છે અને અત્યારે પણ હું દાળ-ભાત ખાઈને જ અહીં આવ્યો છું. ત્યાર બાદ મુખ્યમંત્રીએ હાર્દિક પંડ્યાને ગરબા રમવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યાર બાદ આરજે ધ્વનિત સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હાર્દિક પંડ્યાએ આવવા દેના નારા લગાવ્યા હતા.


ગુજરાતની ટીમ અમદાવાદમાં યોજશે રોડ શોઃ


ગુજરાત ટાઈટન્સની ટીમ આજે અમદાવાદમાં રોડ શો યોજશે.આ રોડ શો રિવર ફ્રન્ટ ખાતે યોજાઇ શકે છે. આજે સાંજે 5.30 કલાકે ઉસ્માનપુરા રિવર ફ્રન્ટથી વિશ્વકુંજ રિવર ફ્રન્ટ સુધીનો રોડ શો યોજાશે તેવી માહિતી સામે આવી છે.  IPLની ટ્રોફી સાથે ગુજરાત ટાઇટનની ટીમ ઓપન બસમાં રોડ શો કરશે. રોડ શો દરમિયાન ગરબાની રમજટ પણ જોવા મળશે