GT vs LSG: IPL 2022માં આજે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ (GT)નો મુકાબલો કે.એલ રાહુલની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે થયો છે. આ મેચથી લખનઉ અને ગુજરાતની ટીમે પોતાનું આઈપીએલ ડેબ્યુ કર્યું છે. પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતી લખનઉની ટીમે 158 રન કર્યા હતા અને ગુજરાતને જીત માટે 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 


પ્રથમ બોલે જ કેપ્ટન આઉટઃ
આ મેચમાં પ્રથમ બેટિંગ માટે ઉતરેલી લખનઉની ટીમની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. મેચના પહેલા જ બોલ પર કેપ્ટન કે. એલ રાહુલ આઉટ થયો હતો. મોહમ્મદ શમીએ આ ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને માત્ર 2 રન આપ્યા હતા અને કે. એલ રાહુલ જેવી મહત્વની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ક્વિંટન ડિ કોક 7 રન, એવીન લેવીશ 10 રન, મનીષ પાંડે 6 રન બનાવીને ઝડપથી આઉટ થઈ ગયા હતા. 


હુડ્ડા અને બડોનીએ બાજી સંભાળીઃ
ત્યાર બાદ રમવા આવેલા દિપક હુડ્ડા અને આયુષ બડોનીએ બાજી સંભાળી હતી અને ટીમને સન્માનજન સ્કોર પર પહોંચાડી હતી. હુડ્ડાએ 41 બોલમાં 55 રન અને પોતાની પ્રથમ આઈપીએલ મેચ રમી રહેલા બડોનીએ 41 બોલમાં 54 રન બનાવ્યા હતા. ત્યાર બાદ કૃણાલ પંડ્યાએ 13 બોલમાં 21 રન કર્યા હતા. આમ લખનઉ સુપર જાયન્ટસની ટીમની ખરાબ શરુઆત બાદ પણ ટીમનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 158 રન પર પહોંચ્યો હતો.


શમીની શાનદાર બોલિંગઃ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર મહોમ્મદ શામીએ 3 વિકેટ ઝડપી હતી. જેમાં કે. એલ રાહુલ, ડિ કોક, અને મનીષ પાંડે જેવા મહત્વના બેટ્સમેનને શામીએ થોડા સ્કોરમાં જ પેવેલીયન ભેગા કર્યા હતા. આ સાથે જ વરણ એરોને લેવીશ અને આયુષ બડોની એમ 2 વિકેટ અને રાશિદ ખાને દિપક હુડ્ડાની એક વિકેટ ઝડપી હતી.