ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 31 માર્ચથી શરૂ થશે. આઇપીએલમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની અને ઘણા દિગ્ગજ ખેલાડીઓ ધમાલ મચાવવા તૈયાર છે. કોહલી પણ પોતાની ટીમ માટે પ્રથમ વખત આઈપીએલ ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. આ સીઝનમાં કેટલા નવા ખેલાડીઓના પ્રદર્શન પર પણ તમામની નજર રહેશે. ઉમરાન મલિક અને કેમરૂન ગ્રીન સહિતના અનેક યુવાઓના પ્રદર્શન પર તમામની નજર રહેશે.


ઉમરાન મલિક (સનરાઈઝર્સ હૈદરાબાદ) - ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની બોલિંગથી સૌ કોઇ પરિચિત છે. 23 વર્ષીય ઉમરાન મલિકે છેલ્લી સીઝનમાં પેસ અને બાઉન્સથી વિરોધી બેટ્સમેનોના હોશ ઉડાવી દીધા હતા. આ સીઝનમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદને ઉમરાન મલિક પાસેથી સારા પ્રદર્શનની આશા છે.  


હેરી બ્રૂક (સનરાઇઝર્સ હૈદરાબાદ) - સનરાઇઝર્સ હૈદરાબાદએ IPL 2023ની હરાજીમાં ઇંગ્લિશ ક્રિકેટર હેરી બ્રૂક પર 13.25 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. હરાજી પહેલા બ્રુકને આટલી કિંમત મળશે તેવી ભાગ્યે જ કોઈએ અપેક્ષા રાખી હશે. 24 વર્ષીય બ્રુકે ટેસ્ટ ક્રિકેટમાં પણ તોફાની સ્ટાઈલથી બેટિંગ કરી છે.


તિલક વર્મા (મુંબઈ ઈન્ડિયન્સ) - 20 વર્ષીય તિલક વર્માએ આઈપીએલની પોતાની ડેબ્યૂ સીઝનમાં શાનદાર રમત બતાવી. તિલકે IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ માટે 14 મેચમાં 36.09ની સરેરાશથી 397 રન બનાવ્યા હતા. ડાબોડી બેટ્સમેન તિલકે આઈપીએલ બાદ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર દેખાવ કર્યો હતો અને તે આઈપીએલની આ સીઝનમાં પણ સારુ પ્રદર્શન કરવા તૈયાર છે. ક્રિકેટ નિષ્ણાતો તિલક વર્માને ટીમ ઈન્ડિયાનો 'ફ્યુચર સ્ટાર' ગણાવી રહ્યા છે.


કેમરૂન ગ્રીન (મુંબઈ ઈન્ડિયન્સ) - કેમરૂન ગ્રીન મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે મેદાનમાં તોફાન મચાવવા તૈયાર છે. ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર કેમરૂન ગ્રીન બોલિંગ અને બેટિંગમાં સારુ પ્રદર્શન કરી શકે છે. ગ્રીને ભારત સામે તાજેતરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ આ સાબિત કર્યું હતું. 23 વર્ષીય ગ્રીન આ સીઝનમાં બેટ્સમેન ટિમ ડેવિડ સાથે મુંબઈ માટે ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2023ની હરાજીમાં ગ્રીનને ખરીદવા માટે 17.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.


અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ) - ડાબા હાથના ઝડપી બોલર અર્શદીપ સિંહે અત્યાર સુધી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે અને ગયા વર્ષે T20 ઈન્ટરનેશનલમાં ભુવનેશ્વર કુમાર પછી ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેના સારા પ્રદર્શનને કારણે અર્શદીપ સિંહને પણ તાજેતરમાં BCCI દ્વારા જાહેર કરાયેલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. અર્શદીપ પાવરપ્લે તેમજ ડેથ ઓવરોમાં યોર્કર નાખવામાં માહેર છે.


સાઈ સુદર્શન (ગુજરાત ટાઇટન્સ) - 21 વર્ષીય સાઈ સુદર્શનની ક્ષમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને આઈપીએલ કરતા તમિલનાડુ પ્રીમિયર લીગની હરાજીમાં વધુ પૈસા મળ્યા હતા. સુદર્શનની આઈપીએલ સેલરી 20 લાખ રૂપિયા છે, જ્યારે TNPL ઓક્શનમાં તેને 21.60 લાખ રૂપિયા મળ્યા હતા. ડાબોડી બેટ્સમેન સુદર્શને ગત સીઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે 5 મેચમાં 145 રન બનાવ્યા હતા. આ વખતે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ટીમ તેને વધુ મેચોમાં તક આપી શકે છે.


નારાયણ જગદીશન (કોલકાતા નાઈટ રાઈડર્સ) - તમિલનાડુના વિકેટકીપર બેટ્સમેન નારાયણ જગદીશન આઈપીએલના અંડરરેટેડ ખેલાડીઓમાંથી એક છે. ગત સીઝનમાં જગદીશન ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ હતો, પરંતુ તેને માત્ર બે મેચમાં રમવાની તક મળી હતી. 27 વર્ષીય એન. જગદીશન ફોર્મમાં છે અને તેણે વિજય હજારે ટ્રોફીની છેલ્લી સિઝનમાં સતત પાંચ સદી ફટકારીને ચર્ચા જગાવી હતી.


મુકેશ કુમાર (દિલ્હી કેપિટલ્સ) - ફાસ્ટ બોલર મુકેશ કુમાર પ્રથમ વખત IPL રમવા જઈ રહ્યો છે. IPL 2023ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે મુકેશ કુમારને 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુકેશ કુમારની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી, એટલે કે તેને 27 ગણી વધુ રકમ મળી હતી. મુકેશ સારી લેન્થ સાથે બોલિંગ કરવામાં માહેર છે અને ડેથ ઓવરોમાં પણ ખૂબ અસરકારક છે.


જોશ લિટલ (ગુજરાત ટાઇટન્સ) – આયરલેન્ડના ફાસ્ટ બોલર જોશ લિટલને પણ ચાહકોની નજર રહેશે. હાર્દિક પંડ્યાના કેપ્ટન ગુજરાત ટાઇટન્સને આ ખેલાડી પાસેથી ઘણી આશાઓ છે. IPL 2023ની હરાજીમાં 23 વર્ષીય જોશ લિટલને ગુજરાતની ટીમે 4 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ટી20 વર્લ્ડ કપ 2022માં લિટલે ન્યૂઝીલેન્ડ સામે યાદગાર હેટ્રિક લીધી હતી.


ઋતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપર કિંગ્સ) આઈપીએલ 2021 ના ​​ઓરેન્જ કેપ વિજેતા ઋતુરાજ ગાયકવાડે છેલ્લી સીઝનમાં 26.29 ની સરેરાશથી કુલ 368 રન બનાવ્યા હતા. 26 વર્ષીય ઋતુરાજ ગાયકવાડે સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર માટે સારું પ્રદર્શન કર્યું છે. ઉત્તર પ્રદેશ સામેની વિજય હજારે ટ્રોફીની મેચમાં ઋતુરાજે એક ઓવરમાં સાત સિક્સર ફટકારી હતી.