IPL 2022: ટીમ ઈન્ડિયાનો લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ઈન્ડિયન પ્રીમિયર લીગ આ વખતની IPLની 15મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમી રહ્યો છે. ચહલે કુલ આઠ સીઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ માટે રમ્યો હતો. જો કે, આ પહેલાં બેંગ્લોર ટીમ મેનેજમેન્ટે IPL 2022 માટે વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજનો ટીમમાં સમાવેશ કર્યો હતો અને ચહલને રીટેન નહોતો કર્યો. જેથી આ વર્ષે ચહલને રાજસ્થાન રોયલ્સે ખરીદી લીધો છે.


મને ફોન આવ્યો કે ત્રણ જ ખેલાડી રિટેન થયાઃ
IPL 2022 શરુ થઈ ગયા બાદ હવે યુઝવેન્દ્ર ચહલે મોટું નિવેદન આપ્યું છે. ચહલે કહ્યું કે, તેને રિટેન્શન (ટીમમાં યથાવત રાખવા) વિશે પણ પૂછવામાં આવ્યું ન હતું. આરસીબીના ક્રિકેટ ડાયરેક્ટર માઈક હેસને તેને ફોન કર્યો અને ત્રણ ખેલાડીઓ વિશે જણાવ્યું કે, જેને રિટેન કરવાના હતા. ચહલે એમ પણ કહ્યું કે, તેણે ક્યારેય RCB સિવાય અન્ય કોઈ ટીમ માટે રમવાનું વિચાર્યું પણ નથી. ચહલે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'હું RCB સાથે ભાવનાત્મક રીતે જોડાયેલ છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું અન્ય કોઈ ટીમ માટે રમીશ. સોશિયલ મીડિયા પર લોકો અને ચાહકો હવે મને પૂછે છે કે 'તેં આટલા પૈસા કેમ માગ્યા? સત્ય એ છે કે માઈક હેસન (RCB ડાયરેક્ટર ઓફ ક્રિકેટ)એ મને ફોન કર્યો અને કહ્યું, 'સાંભળો યુજી, ત્રણ રિટેન્શન છે (વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજ).'


ચહલે વધુમાં કહ્યું કે, 'તેણે (માઈક હેસને) મને પૂછ્યું ન હતું કે, શું હું ટીમમાં રહેવા માગું છું કે નહી. તેઓએ ફક્ત ત્રણ રિટેન્શન વિશે વાત કરી અને મને કહેવામાં આવ્યું કે, અમે તમારા માટે હરાજીમાં જઈશું. ન તો મને પૈસા વિશે પૂછવામાં આવ્યું કે ન તો મને રિટેન્શનની કોઈ ઓફર મળી. પરંતુ હું મારા બેંગલુરુના ચાહકોનો હંમેશા આભારી રહીશ. 


ઉલ્લેખનીય છે કે, RCBએ રિટીન ના કર્યા બાદ યુઝવેન્દ્ર ચહલને રાજસ્થાન રોયલ્સે મેગા ઓક્શનમાં 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ખાસ વાત એ છે કે, આરસીબીએ તેના માટે બોલી પણ લગાવી ન હતી. 31 વર્ષીય ચહલ હવે રોયલ્સ તરફથી રમવા માટે ઉત્સાહિત છે. ચહલનું માનવું છે કે તેના પ્રદર્શનમાં કંઈપણ બદલાશે નહીં.