IPL 2022: ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2022માં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. લીગની 15મી સીઝનમાં અત્યાર સુધી ચેન્નાઈ તેની ચારેય મેચ હારી છે. હારનું કારણ અમુક અંશે તેમના ઝડપી બોલિંગ આક્રમણની નબળાઈ પણ છે અને આવી સ્થિતિમાં ટીમને તેના સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહરની ખોટ છે. CSK આજે 12 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે IPL 2022માં તેની પાંચમી મેચ રમવાની છે.


આ મેચ પહેલા CSK માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો ફાસ્ટ બોલર દીપક ચહર ફરીથી ઈજાગ્રસ્ત થયો છે અને હવે તે આઈપીએલ 2022ની સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ  ગયો છે.


ક્યારે ઈજાગ્રસ્ત થયો હતો દીપક ચહર


દીપક ચહર હાલમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે અને તે પોતાની ઈજામાંથી બહાર આવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, જાણવા મળ્યું છે કે જ્યારે દીપક ચાહર બેંગ્લોરમાં રિહેબિંગ કરી રહ્યો હતો ત્યારે તેની પીઠની જૂની ઈજા તેને ફરીથી પરેશાન કરવા લાગી હતી. ઈજાગ્રસ્ત ઝડપી બોલર આ સપ્તાહના અંતે મુંબઈમાં CSK ટીમમાં સામેલ થવાનો હતો. પરંતુ હવે ઈજાની સમસ્યા ફરી સામે આવ્યા બાદ તે આખા આઈપીએલ 2022માંથી બહાર થઈ ગયો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કોલકાતામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ દરમિયાન ચહર ઈજાગ્રસ્ત થયો હતો.  


આઈપીએલ હરાજીમાં 14 કરોડમાં વેચાયો હતો


 IPL 2022 ની હરાજીમાં 14 કરોડ રૂપિયામાં વેચાયેલા દીપક ચહરની ફરીથી ઈજા વિશે પૂછવામાં આવતા CSK ટીમ મેનેજમેન્ટે કહ્યું, “અમને તેની પીઠની ઈજા વિશે ખબર નથી. તે ફરીથી લયમાં આવવા અને અમારા માટે ફરીથી રમવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. પરંતુ અત્યારે તે અત્યારે ઉપલબ્ધ નથી. દીપક ચહર શરૂઆતમાં નવા બોલથી વિકેટ લેવામાં સક્ષમ છે. તેણે અત્યાર સુધી IPLની 63 મેચમાં 59 વિકેટ ઝડપી છે.