ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સનો 37 રનથી વિજય થયો હતો. 193 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 155 રન જ બનાવી શકી હતી. રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. દેવદત્ત પડ્ડિકલ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. જોકે બાદમાં બટલરે આક્રમક રમત બતાવી હતી. તેણે 24 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. જોકે બાદમાં રાજસ્થાનનો એક પણ બેટ્સમેન કાંઇ ખાસ કરી શક્યો નહોતો. હેટમેયરે 29 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવી શકી હતી.






આ અગાઉ કેપ્ટન હાર્દિક પંડ્યાના અણનમ 87 અને અભિનવ મનોહરના 43 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. હાર્દિક અને અભિનવ મનોહર વચ્ચે 55 બોલમાં 86 રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ સેન અને રિયાન પરાગે એક-એક વિકેટ લીધી હતી.


ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખરાબ રહી હતી કારણ કે તેણે પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવીને 42 રન બનાવ્યા હતા. ઓપનર મેથ્યુ વેડ (12) અને વિજય શંકર (2)એ પોતાની વિકેટ ગુમાવી હતી. ગિલ 13 રને આઉટ થયો હતો.  બાદમાં આવેલા અભિનવ મનોહરે હાર્દિક પંડ્યા સાથે સ્થિતિ સંભાળી હતી. બંન્નેએ સાથે મળીને 10 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ટીમનો સ્કોર 72 રન સુધી પહોંચાડ્યો હતો. હાર્દિકે 33 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. મનોહર 28 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 43 રન બનાવીને કેચ આઉટ થયો હતો. બાદમાં મિલર 21 રન બનાવી આઉટ થયો હતો.