IPL 2022: લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમે સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં તેમની પ્રથમ મેચ રમી હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનૌને 5 વિકેટથી હરાવ્યું હતું. મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં માત્ર 2 બોલ બાકી રહેતા ગુજરાતે મેચ જીતી લીધી હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે તેમના કરતા થોડી ભારે દેખાતી લખનૌની ટીમને વર્ચસ્વ જમાવવા દીધું ન હતું અને છેલ્લી પાંચ ઓવરમાં રન બનાવીને લક્ષ્યાંક મેળવી લીધો હતો. ગુજરાતની આ રોમાંચક જીત અને લખનૌની આ હાર પાછળના મોટા કારણો શું હતા, અહીં વિગતવાર વાંચો..


1. ટોસ હારવો: વાનખેડે સ્ટેડિયમની પીચ પર શરૂઆતમાં બોલિંગ કરતી ટીમને લાભ જ મળે છે. અહીં પ્રથમ બેટિંગ કરવી થોડી પડકારજનક છે. ઝાકળના કારણે પાછળથી બોલિંગ કરનાર ટીમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે અહીંની દરેક ટીમ ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. લખનૌએ અહીં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવી પડી હતી, જે તેમની હારનું પ્રથમ કારણ બન્યું હતું.


2. ઓપનિંગ જોડી સ્કોર કરવામાં નિષ્ફળ: કે.એલ રાહુલ અને ક્વિન્ટન ડી કોક લખનૌની આખી ટીમમાં સૌથી શક્તિશાળી બેટ્સમેન છે. આ બંને ખેલાડીઓ ઓપનર તરીકે આ રમવા ઉતર્યા હતા. પરંતુ રાહુલ મેચના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો અને ત્યારબાદ ડી કોક પણ માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 


3. દુષ્મંથા ચમીરાને ચાર ઓવર ન મળી: કે.એલ રાહુલની કેપ્ટનશિપની આ સૌથી મોટી ભૂલ હતી. દુષ્મંત ચમીરા ગુજરાત સામે જોરદાર બોલિંગ કરી રહ્યો હતો. તેણે ત્રણ ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી. આમ છતાં કેપ્ટન કે.એલ રાહુલ તેને ચોથી ઓવરમાં બોલિંગ કરવા ના આપી તે પણ હારનું કારણ બન્યું.


4. દીપક હુડાને 16મી ઓવર આપીઃ ગુજરાતના દાવની 15મી ઓવર સુધી મેચ ટાઈ થવાની શક્યતાઓ હતી. પરંતુ 16મી ઓવરમાં કેપ્ટન કે.એલ રાહુલે દીપક હુડાને બોલ આપ્યો અને આ ઓવરમાં રાહુલ તેવટિયા અને ડેવિડ મિલરે 22 રન ફટકાર્યા હતા. મોહસીન ખાન અને ચમીરા જેવા સારા બોલરોને બદલે હુડ્ડાને બોલિંગ આપવાનો નિર્ણય ટીમ માટે આત્મઘાતી સાબિત થયો.


5. મોટા ખેલાડીઓની ગેરહાજરીઃ લખનૌમાં ઘણા મોટા ખેલાડીઓ છે પરંતુ તે આ મેચ રમી શક્યા નહોતા. જેમાં માર્કસ સ્ટોઇનિસ, જેસન હોલ્ડર અને કાયલ મેયર્સનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ હાલમાં પોતપોતાની રાષ્ટ્રીય ટીમનો ભાગ છે, તેથી તેઓ IPLના પ્રથમ સપ્તાહમાં ઉપલબ્ધ નથી. આ ખેલાડીઓની ગેરહાજરીમાં લખનૌની ટીમ થોડી નબળી સાબિત થઈ હતી.