LSG vs GT: ગઈકાલે મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલાં બેટિંગ કરતાં ગુજરાત ટાઈટન્સે 144 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની આખી ટીમ માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ગુજરાત ટાઇટન્સે (GT) મેચ 62 રને જીતી લીધી હતી. આ સાથે ગુજરાત ટાઇટન્સ (GT) આ સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ હાર પછી, લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીરે ખેલાડીઓને કડક સંદેશ આપ્યો હતો.


લડાઈ લડીને હારવામાં કંઈ ખોટું નથીઃ
ગુજરાત ટાઇટન્સ (GT) સામે કારમી હાર બાદ ગૌતમ ગંભીરે લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડીઓને સંબોધિત કર્યા હતા. આ સંબોધનમાં ગંભીરે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા, સાથે જ નબળી કડી પર કામ કરવાની સલાહ આપી. તેણે કહ્યું કે હારવામાં કોઈ નુકસાન નથી. જો એક ટીમ હારે છે, તો બીજી ટીમ જીતે છે. પણ લડ્યા વિના હારવું યોગ્ય નથી. આજે મને લાગે છે કે ટીમે સામેની ટીમને પડકાર નથી આપ્યો. ગંભીરે વધુમાં કહ્યું કે, આજે આપણે સારી મેચ નથી રમ્યા, તે સ્વીકારવું જોઈએ. પરંતુ ખાસ કરીને આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં આવા પ્રદર્શન માટે કોઈ સ્થાન નથી. તેણે વધુમાં કહ્યું કે, આ સિઝનમાં આપણે સારી ક્રિકેટ રમી છે અને મજબૂત ટીમોને હરાવી છે. પરંતુ આજે આપણ સારી ક્રિકેટ રમી શક્યા નથી.


ગૌતમ ગંભીરે કહ્યું કે આપણા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. તેણે કહ્યું કે, આ લીગમાં વર્લ્ડ ક્લાસ બોલર્સ છે, જેનો સામનો કરવો સરળ નથી. પરંતુ નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડીને આમ કરવું શક્ય છે. તેથી બેટ્સમેન તરીકે વધુ મહેનત કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, લખનઉના ક્વિન્ટન ડી કોક અને દીપક હુડા જ બે બેટ્સમેન હતા જેઓ ડબલ ફિગરમાં રન બનાવી શક્યા હતા. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના બેટ્સમેન રાશિદ ખાન અને અન્ય બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. રાશિદ ખાને તેની 4 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી.