મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે એક રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે દિલ્હી કેપિટલ્સનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે.
હવે પ્લેઓફ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. એટલે કે આ ચાર ટીમોમાંથી IPL 2022ની ચેમ્પિયન ઉપલબ્ધ થશે.
24, મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર-1 વચ્ચે રમાશે. 25, મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે એલિમિનેટર રમાશે.
ટિમ ડેવિડે આખી મેચ બદલી નાખી
ટિમ ડેવિડે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટિમ ડેવિડે 11 બોલમાં 34 રન બનાવ્યા હતા. ટિમ સિવાય તિલક વર્માએ પણ છેલ્લી મેચમાં 17 બોલમાં 21 રન બનાવ્યા હતા. ઈશાન કિશને પણ 48 રનની ઇનિંગ રમી હતી. ડેવાલ્ડ બ્રેવિસે 37 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
આ અગાઉ દિલ્હી કેપિટલ્સની ઇનિંગની વાત કરીએ તો ટીમના સ્ટાર ખેલાડીઓએ ટીમને નિરાશ કર્યા હતા. ડેવિડ વોર્નર, મિશેલ માર્શ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. પૃથ્વી શૉએ 24 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન ઋષભ પંતે પણ 39 રનની ઇનિંગ રમી હતી. છેલ્લી મેચમાં રોવમેન પોવેલે 43 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી કેપિટલ્સ 159 રન બનાવી શકી હતી.