IPL 2022: ગુરુવાર સુધી સાત મેચ રમાઈ છે. સાતમી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પોતાની જીતનું ખાતું ખોલ્યું હતું, જ્યારે ચાર વખતની ચેમ્પિયન CSKને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. લીગમાં રમી રહેલી તમામ 10 ટીમોએ એક-એક મેચ રમી લીધી છે. ત્રણ ટીમોને બાદ કરતાં તમામ 7 ટીમોએ ઓછામાં ઓછી એક મેચ જીતી છે. ચાલો જાણીએ કે હાલમાં કઈ ટીમ પોઈન્ટ ટેબલમાં કયા સ્થાન પર છે.
ટોચ પર રાજસ્થાનઃ
રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. રાજસ્થાને ફક્ત એક જ મેચ રમી છે અને પણ તે મેચ ખૂબ જ સારી રન રેટથી જીતી છે. રાજસ્થાન બે પોઈન્ટ અને 3.050 રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ 0.914 રન રેટ અને બે પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સે પણ માત્ર એક મેચ રમી છે અને જીતી છે. તે પછી પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને પછી કોલકાતા નાઇટ રાઇડર્સ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. કોલકાતા સિવાય તમામે એક-એક મેચ રમી છે અને જીતી છે. KKRની ટીમે બે મેચ રમી છે જેમાં તેને એક જીત અને એક હાર મળી છે.
પોઈન્ટ ટેબલમાં લખનૌ સુપર જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ છેલ્લા પાંચમા સ્થાને છે. લખનૌ અને બેંગ્લોરને બાદ કરતાં અન્ય ત્રણ ટીમોએ પોતાની જીતનું ખાતું ખોલ્યું નથી. આમાં ચેન્નાઈ બે મેચ રમી છે અને બંને મેચમાં હારી ચૂકી છે, જ્યારે મુંબઈ અને હૈદરાબાદ પણ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યા છે.
ઓરેંજ કેપઃ
લીગની 15મી સિઝનમાં સૌથી વધુ રન કરનાર ખેલાડીઓ તરફ નજર કરીએ તો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ હાલમાં બે મેચમાં 93 રન કરીને ટોપ પર છે. તેના પછી એક મેચમાં 81 રન સાથે મુંબઈ ઈન્ડિયન્સના ઈશાન કિશન બીજા સ્થાને છે. જ્યારે રોબિન ઉથપ્પાએ 78 રન, આયુષ બદોનીએ 73 રન અને દીપક હુડા 68 રન સાથે ટોચના પાંચ સ્થાનો પર યથાવત છે.
પર્પલ કેપ:
સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓ તરફ નજર કરીએ તો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વનિન્દુ હસરંગા બે મેચમાં પાંચ વિકેટ સાથે ટોચ પર છે. તેના પછી ઉમેશ યાદવ (4), ડ્વેન બ્રાવો (4) અને આકાશદીપ (4) અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમે છે.