Tribute to Shane Warne: રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) પોતાની પહેલી આઈપીએલ ટ્રોફીના વિજેતા કેપ્ટન અને દિવંગત શેન વોર્ન (Shane Warne)ના જીવન-કવનને ઉજવવા માટેનો નિર્ણય કર્યો છે. 52 વર્ષના વોર્નનું હ્રદય રોગના હુમલાના કારણે નિધન થયું હતું. તેમની કેપ્ટનશીપમાં વર્ષ 2008માં શરુ થયેલી આઈપીએલની પહેલી સીઝન રાજસ્થાન રોયલ્સે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં જીતી હતી. IPLની પહેલી ટ્રોફી જીતનાર રાજસ્થાનન ટીમે એ જ મેદાન પર મુંબઈ ઈંડિયન્સ સામે મેચ રમવા જઈ રહી છે.
હવે આ મેચને યાદગાર બનાવવા માટે રાજસ્થાન રોયલ્સે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. ફ્રેંચાઈજીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, શેન વોર્નના જીવન અને યોગદાનનો ઉત્સવ ઉજવવા માટે આનાથી વધુ સારું સ્થળ બીજું કોઈ ના હોઈ શકે. જે સ્ટેડિયમમાં વોર્ને આઈપીએલ ટ્રોફી (IPL Trophy) જીતી હતી તે જ સ્ટેડિયમમાં તેમનું સન્માન અને તેમના જીવનના યોગદાનનો ઉત્સવ ઉજવવા માટે ક્રિકેટ જગતના લોકો ભેગા થશે.
રાજસ્થાન રોયલ્સ આ ઉજવણીમાં ઈચ્છશે કે, આ શોક મનાવવાનો કાર્યક્રમ ના બનીને મહાન વ્યક્તિને યાદ કરવાનો અવસર બની રહે. સાથે જ ક્રિકેટમાં શેન વોર્નના યોગદાન અને સાથે-સાથે તેમના શબ્દોના માધ્યમથી દુનિયાભરના લાખો લોકોના જીવનને પ્રભાવિત કરવા માટે તેમને સલામ કરવાનો અવસર બની રહે.
શેન વોર્નનો પરિવાર રહેશે હાજરઃ
આ સમારોહનું નેતૃત્વ રાજસ્થાન રોયલ્સ કરશે અને તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને IPLના ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા સમર્થન આપવામાં આવશે. આ સમારોહમાં શેન વોર્નના પરિવારને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. શેન વોર્નના ભાઈ જેસન વોર્ન સમારોહમાં હાજર રહેવા મુંબઈ આવશે. આ સાથે 2008ની રાજસ્થાન રોયલ્સની ટીમના સભ્ય રહેલા ખેલાડીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમની સરાહના પણ કરવામાં આવશે. રાજસ્થાન રોયલ્સ તરફથી ભવ્ય આયોજન કરીને શેન વોર્નની ક્રિકેટ કારકિર્દીને યાદ કરવામાં આવશે.