IPL 2022:  આવતીકાલે શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. આ મેચ માટે બંને ટીમો એક જ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. આ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ અને સ્ટાફ એકબીજાને મળી રહ્યા છે. આ ક્રમમાં જ્યારે રાજસ્થાન રોયલ્સના યુવા ખેલાડીઓને સચિન તેંડુલકર જોવા મળ્યો તો રાજસ્થાનના ખેલાડીઓ આ મહાન ક્રિકેટર સાથે ફોટો પડાવવા માટે વિનંતી કરી હતી. ત્યાર બાદ આ ખેલાડીઓ એક પછી એક માસ્ટર બ્લાસ્ટર સચિન પાસે ઉભા રહીને ફોટો પડાવ્યા હતા.


રાજસ્થાનના યુવા ખેલાડીઓમાં સચિન પ્રત્યેના ક્રેઝનો એક વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે શેર કર્યો છે. આ વીડિયોમાં સચિન માટે દેશના યુવા ખેલાડીઓને કેટલું માન છે તે દેખાય છે. રાજસ્થાન રોયલ્સમાં રમી રહેલા આ યુવા ખેલાડીઓ સચિનને પગે પણ લાગે છે. આ દર્શાવે છે કે, સચિન ભલે ક્રિકેટ ના રમે પણ તેણે ક્રિકેટમાં આપેલું યોગદાન સદીઓ સુધી ભારતના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપતું રહેશે. ઉલ્લેખનીય છે કે, સચિન IPLની શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સનો ખાસ ભાગ રહ્યો છે. સચિન આઈપીએલની શરૂઆતની સીઝનમાં મુંબઈની ટીમનો કેપ્ટન રહ્યો હતો. બાદમાં તે મુંબઈ ઈન્ડિયન્સના વહીવટનો એક ભાગ બન્યો હતો. એક મેન્ટર તરીકે તે ઘણીવાર મુંબઈના ખેલાડીઓને માર્ગદર્શન આપતો જોવા મળે છે.




શનિવારે બપોરે મુંબઈ અને રાજસ્થાનની ટક્કરઃ
મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ શનિવારે બપોરે 3.30 કલાકે શરૂ થશે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. મુંબઈના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ આ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. તે ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને મુંબઈની ટીમમાં સામેલ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે મુંબઈ તેની પ્રથમ મેચ દિલ્હી સામે હારી ગયું હતું. તો રાજસ્થાનની ટીમે આ IPLની શરૂઆત વિજય સાથે કરી છે. રાજસ્થાને સનરાઇઝર્સ હૈદરાબાદને 61 રનથી હરાવ્યું હતું