ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ફરી એકવાર ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે. આ વખતે આ મામલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સાથે સંબંધિત છે. વાસ્તવમાં એક ડ્રાઈવરે આઈપીએલ સટ્ટાબાજીમાં પૈસા ગુમાવ્યા બાદ સિરાજનો સંપર્ક કર્યો હતો.
પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ ડ્રાઈવરે સિરાજને લાલચ આપી હતી કે જો તે તેને ટીમની અંદરની બાબત જણાવશે તો તે આ ખેલાડીને મોટી રકમ આપી શકે છે. પરંતુ સિરાજે સમગ્ર મામલાની જાણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટને કરી હતી.
સિરાજે તરત જ બીસીસીઆઈને જાણ કરી
આ માહિતી પછી બીસીસીઆઈનું આ યુનિટ એક્શનમાં આવ્યું અને ઝડપી તપાસ કરતા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું છે કે સિરાજનો સંપર્ક કરનાર વ્યક્તિ બુકી નથી, પરંતુ હૈદરાબાદનો ડ્રાઈવર છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતુ કે 'સિરાજનો સંપર્ક કરનાર કોઈ બુકી નહોતો. તે હૈદરાબાદનો ડ્રાઈવર છે, જે મેચ પર સટ્ટો લગાવે છે. તેણે સટ્ટાબાજીમાં ઘણા પૈસા ગુમાવ્યા, જેના કારણે તેણે ટીમની અંદરની માહિતી માટે સિરાજનો સંપર્ક કર્યો હતો. સિરાજે તરત જ આ અંગે જાણકારી આપી હતી.
ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી
અધિકારીના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, 'સિરાજે માહિતી આપ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ડ્રાઇવરની ધરપકડ કરાઇ છે. હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ACU અધિકારી દરેક ટીમ સાથે રહે છે
નોંધનીય છે કે આઈપીએલમાં ફિક્સિંગના મામલામાં પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત, અકિન્થ ચવ્હાણ અને અજીત ચંદિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયની સાથે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના ગુરુનાથ મયપ્પનની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી BCCIની એન્ટી કરપ્શન યુનિટ ખૂબ જ સતર્ક છે.
IPLની દરેક ટીમ સાથે એક ACU ઓફિસર હોય છે, જે ખેલાડીઓની સાથે હોટલમાં રહે છે. તે દરેક ગતિવિધિ પર નજર રાખે છે. દરેક ખેલાડીને શું કરવું અને શું ન કરવું તે અંગેની તાલીમ પણ આપવામાં આવે છે. જો કોઈ ખેલાડી માહિતી ન આપે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે.