IPL final rain rules 2026: IPL 2026 ની આખરી જંગ હવે એકદમ નજીક છે. 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે શાનદાર ફાઈનલ મુકાબલો રમાશે. 10 ટીમો, 70 થી વધુ મેચો અને 2 મહિનાની ભારે મહેનત બાદ આ બે મજબૂત ટીમો ટ્રોફી માટે ટકરાવાની છે. RCB ની ટીમે ક્વોલિફાયર 1 જીતીને સીધી ફાઈનલમાં એન્ટ્રી મારી હતી, જ્યારે ગુજરાતે ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી છે. પરંતુ, ક્રિકેટ ચાહકોના મનમાં એક મોટો સવાલ એ છે કે જો આ મહામુકાબલામાં વરસાદ વિલન બને તો શું થશે? જો મેચ રદ થાય તો ચેમ્પિયન કોને બનાવવામાં આવશે? ચાલો, આ અંગેના IPL ના નિયમો વિશે એકદમ સરળ ભાષામાં સમજીએ.
જો 31 મેના રોજ વરસાદ પડે તો શું થશે?
જો 31 મેના રોજ ફાઈનલ મેચ દરમિયાન વરસાદ પડે છે, તો અમ્પાયર્સનો સૌથી પહેલો પ્રયાસ એ જ દિવસે મેચ પૂરી કરવાનો રહેશે. જો લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહે છે, તો સમય બચાવવા માટે ઓવરની સંખ્યા ઘટાડી દેવામાં આવશે. મેચનું પરિણામ લાવવા માટે વધારાની 120 મિનિટ (2 કલાક) નો સમય પણ એડ કરવામાં આવશે, જેથી દરેક ટીમ ઓછામાં ઓછી 5-5 ઓવરની ઇનિંગ્સ તો રમી જ શકે.
મેચ ન રમાઈ શકે તો લાગુ પડશે 'રિઝર્વ ડે' નો નિયમ
જો વરસાદ રોકાય જ નહીં અને 31 મેના રોજ 5-5 ઓવરની મેચ રમાડવી પણ શક્ય ન બને, તો આ મેચ એ દિવસે રદ કરીને તેને 'રિઝર્વ ડે' એટલે કે બીજા દિવસે (1 જૂન) શિફ્ટ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સૂર્યા-ગિલ ટીમની બહાર, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, BCCIએ જાહેર કરી 30 સંભવિત ખેલાડીઓની યાદી
જો રિઝર્વ ડે પણ ધોવાઈ જાય તો કોણ બનશે ચેમ્પિયન?
જો ખરાબ નસીબે 1 જૂન (રિઝર્વ ડે) ના રોજ પણ સતત વરસાદ ચાલુ જ રહે અને મેચ રમાડવી બિલકુલ શક્ય ન બને, તો ફાઈનલ મેચને સંપૂર્ણપણે રદ જાહેર કરવામાં આવશે. આવા સંજોગોમાં મેચનું કોઈ પરિણામ ન આવતા, IPL ના નિયમ મુજબ પોઈન્ટ ટેબલની સ્થિતિ જોવામાં આવશે. લીગ સ્ટેજમાં જે ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપર હતી તેને ચેમ્પિયન જાહેર કરી દેવામાં આવશે.
આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને (નંબર 1) રહ્યું હતું, જ્યારે ગુજરાત ટાઇટન્સ બીજા સ્થાને હતું. તેથી, જો વરસાદને કારણે ફાઈનલ મેચ રદ થશે, તો પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાને કારણે RCB ને IPL 2026 નું ચેમ્પિયન બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
