Rinku Singh IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) 9 એપ્રિલ (રવિવારે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક એવી મેચ જોવા મળી જેના પર દર્શકો ફિદા થઇ ગયા, જેને ફેન્સ ક્યારેય નહીં ભૂલી શકે. આ મેચ હતી કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની. આ મેચમાં રિન્કુ સિંહ તરખાટ મચાવતી બેટિંગ કરીને બધાને ચોંકાવી દીધા. ડાબોડી બેટ્સમેન રિન્કુ સિંહે હારેલી મેચમાં કોલકત્તાની વાપસી કરાવી, એટલું જ નહીં છેલ્લા બૉલે સિક્સર ફટકારીને મેચ પણ જીતાડી દીધી હતી. રિન્કુ સિંહની એ બેટિંગની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી પડી રહી છે. જાણો એક સમયે રિન્કુ સિંહ પર લાગ્યો હતો પ્રતિબંધ, એટલું જ નહીં તે કચરાં વાળવા સુધીનું પણ કામ કરી ચૂક્યો છે.
રિન્કુ સિંહે છેલ્લા સાત બૉલ પર બનાવી દીધા 40 રન
રિન્કુ સિંહ પોતાની ટીમના કેપ્ટન નીતિશ રાણાને આઉટ થયા બાદ ક્રિઝ પર આવ્યો હતો, 25 વર્ષીય રિન્કુએ પોતાની ઇનિંગની શરૂઆત ખૂબ જ ધીમી કરી હતી, અને પહેલા 14 બૉલમાં માત્ર 8 રન બનાવ્યા હતા. પરંતુ, રિન્કુએ રમેલા છેલ્લા સાત બૉલમાં તેણે 40 રન ઠીક દીધા. આમ રિન્કુ સિંહે 21 બૉલનો સામનો કર્યો અને અણનમ 48 રન બનાવ્યા, જેમાં 6 છગ્ગા અને 4 ફોરનો સામેલ છે.
રિન્કુ સિંહનો આ આઈપીએલ કારકિર્દીનો આ સર્વશ્રેષ્ઠ સ્કૉર રહ્યો છે. આઇપીએલ ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ છેલ્લી ઓવરમાં આટલા રન બનાવીને મેચ જીતી હોય. અગાઉ IPL 2016માં, રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સ સામે છેલ્લી ઓવરમાં જરૂરી 23 રન બનાવ્યા હતા. આ વિસ્ફોટક ઈનિંગ બાદ રિન્કુ સિંહ આઈપીએલના સુપરસ્ટાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. રિન્કુ સિંહની સ્ટૉરીથી લાખો યુવાનો પ્રેરણાદાયી થયા છે.
રિન્કુની આ કારણે થતી હતી ધૂલાઇ
રિન્કુનો જન્મ 12 ઓક્ટોબર 1997ના દિવસે ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો, તે 5 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરનો છે. રિન્કુના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતા હતા. બીજીબાજુ રિન્કુને નાનપણથી જ ક્રિકેટનો ખુભ શોખ હતો, પરંતુ પિતા ઇચ્છતા ન હતા કે તેમનો પુત્ર આ રમતમાં સમય બગાડે. જેના કારણે રિન્કુને અનેકવાર માર મારવામાં આવતો હતો. આમ છતાં રિન્કુએ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. દિલ્હીમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં તેને ઈનામ તરીકે બાઇક પણ મળી હતી, જે તેને પોતાના પિતાને આપી દીધી હતી. જેના કારણે રિન્કુની મારપીટ બંધ થઈ ગઈ હતી, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ રહી હતી. આવી સ્થિતિમાં રિન્કુએ નોકરી કરવાનું નક્કી કર્યું.
...એકસમયે રિન્કુ સિંહને મળી હતી કચરાં-પોતા કરવાની નોકરી -
રિન્કુ સિંહ આમ તો બહુ ભણેલો નથી, જેના કારણે તેને કૉચિંગ સેન્ટરમાં સફાઈ કામદારની એટલે કે કચરાં-પોતા કરવાની નોકરી મળી હતી. રિન્કુને આ કામ કરવાનું મન ન થયું અને તેણે થોડા દિવસોમાં આ કામને અલવિદા કહી દીધું. આ પછી રિન્કુએ પોતાનું ધ્યાન ક્રિકેટ પર કેન્દ્રિત કર્યું, જે તેની કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકે. બે લોકો મોહમ્મદ જીશાન અને મસૂદ અમીને રિન્કુ સિંહની કારકિર્દીને નવી ઉડાન આપવામાં મદદ કરી. મસૂદ અમીને નાનપણથી જ રિન્કુને ક્રિકેટની ટ્રેનિંગ આપી છે, જ્યારે અંડર-16 ટ્રાયલમાં બે વખત ફેઇલ થયા બાદ જીશાને આ યુવા ક્રિકેટરને ઘણી મદદ કરી હતી. ખુદ રિન્કુએ પણ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
રિન્કુની મહેનત આખરે રંગ લાવી, જ્યારે 2014માં તેને ઉત્તર પ્રદેશ માટે લિસ્ટ-A અને T20 ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. રિન્કુ સિંહે પણ પંજાબ સામે બે વર્ષ બાદ ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ત્યારપછી રિન્કુએ પાછું વળીને જોયું નથી અને તેને ડૉમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું. આઈપીએલ 2017ની ઓક્શનમાં રિન્કુને કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ)એ 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તે સિઝનમાં તેને માત્ર એક જ મેચ રમવા મળી હતી.
ગઇ સિઝનમાં પણ રિન્કુ સિંહે કર્યો હતો કમાલ
વર્ષ 2018ની સિઝનમાં, રિન્કુ સિંહને કોલકાતા નાઈટ રાઈડર્સે 80 લાખ રૂપિયાની કિંમતે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ત્યારથી તે KKR સાથે જોડાયેલો છે. જોકે, IPL 2021 સીઝનમાં, તે ઘૂંટણની ઈજાને કારણે એકપણ મેચ ન હતો રમી શક્યો. રિન્કુને KKRએ IPL 2022ની મેગા ઓક્શનમાં 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLમાં રિન્કુએ અત્યાર સુધી 20 મેચ રમી છે અને 24.93ની એવરેજથી 349 રન બનાવ્યા છે. આઈપીએલ 2022માં લખનઉ સામેની મેચમાં રિન્કુએ માત્ર 15 બોલમાં 40 રન બનાવ્યા હતા, તે પછી રિન્કુની ઈનિંગ છવાઈ ગઈ હતી.
રિન્કુનો ડૉમેસ્ટિક રેકોર્ડ છે ખુબ જ પ્રભાવશાળી
રિન્કુ સિંહે અત્યાર સુધીમાં 40 ફર્સ્ટ ક્લાસ, 50 લિસ્ટ-એ અને 78 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રિન્કુએ 59.89ની એવરેજથી 2875 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 19 અડધી સદી સામેલ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રિન્કુનો સર્વશ્રેષ્ઠ સ્કૉર અણનમ 163 રહ્યો છે. લિસ્ટ-એમાં રિન્કુએ 53ની એવરેજથી 1749 રન બનાવ્યા હતા. લિસ્ટ-એ ક્રિકેટમાં રિન્કુ સિંહના નામે 1 સદી અને 16 અડધી સદી છે. રિન્કુએ ટી20 મેચમાં 6 અડધી સદીની મદદથી 1392 રન બનાવ્યા હતા. જો રિન્કુ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે તો તેને ટીમ ઈન્ડિયા તરફથી રમવા માટે પણ મોકો મળી શકે છે.