નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની સફળ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે આઇપીએલની 15મી સિઝન એકદમ ખરાબ સાબિત થઇ રહી છે. સતત હાર બાદ, જાડેજાની ઇજા અને હવે રાયુડુએ બધાને ચોંકાવી દીધા છે. ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન અંબાતી રાયુડુએ શનિવારે મોટો નિર્ણય લીધો છે. અંબાતી રાયુડુએ શનિવારે આઇપીએલમાંથી સન્યાંસ લેવાની જાહેરાત કરી દીધી. અંબાતી રાયુડુએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને પોતાના ફેન્સને આપી હતી. 






જોકે, થોડીકવારમાં તેને પોતાનુ આ ટ્વીટ ડિલીટ કરી દીધુ હતુ. અંબાતી રાયુડુના ટ્વીટ ડિલીટ કર્યા બાદ ક્રિકેટ જગતમાં વાત થવા લાગી છે કે ચેન્નાઇ સુપર કિંગ્સમાં બધુ બરાબર નથી. 


આઇપીએલ 2022માં ચેન્નાઇનુ પ્રદર્શન બરાબર નથી રહ્યું. ગઇ સિઝનની ચેમ્પીયન ટીમ સીએસકે આ વખતે 8 મેચ હારીને પ્લેઓફની રેસમાંથી સૌથી પહેલા બહાર નીકળી ગઇ છે. આવામાં ખેલાડીઓ દ્વારા આવા સંકેત સારી વાત નથી.




રાયુડુએ પોતાના ટ્વીટમાં લખ્યું- મને એ જાહેરાત કરતાં આનંદ થઇ રહ્યો છે કે આ મારી છેલ્લી આઇપીએલ હશે. આ લીગમાં રમવુ અને 13 વર્ષ સુધી 2 મહાન ટીમોનો ભાગ બનવાની સાથે શાનદાર સમય વિતાવ્યો છે. આ શાનદાર યાત્રા માટે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સને ઇમાનદારીથી ધન્યવાદ કહેવાનુ પસંદ કરીશ.


અંબાતી રાયુડુની આઇપીએલ કેરિયરની વાત કરીએ તો તેને આ રંગારંગ લીગમાં 187 મેચો રમી છે, 29ની એવરેજથી રાયડુએ 3290 રન બનાવ્યા છે. જોકે આઇપીએલ 2022માં રાયુડુ ખાસ ચાલ્યો નહીં, તેને અત્યાર સુધીમાં 12 મેચમાં 27.10ની એવરેજથી 271 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે એક અડધી સદી ફટકારી છે.