Kohli on Team India: ભારતીય ક્રિકેટ ટીમના સુપર સ્ટાર વિરાટ કોહલીએ આઈપીએલ બાદ પોતાના પ્લાન અને કેરિયરને લઈને ખુલ્લીને વાત કરી છે. વિરાટે ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લેવાની સલાહ અંગે પણ વાત કરી છે. તેમણે એ વાતનો સ્વિકાર કર્યો છે કે લાંબા સમયથી સુધી રમવા માટે વિરામ લેવો પડશે. સાથે તેમણે એ પણ નક્કી કરવું પડશે કે, ક્યારે વિરામ લેવો છે અને કેટલા સમય માટે લેવો છે. નોંધનિય છે કે, 2019 બાદ વિરાટ કોહલી એક પણ ફોર્મેટમાં સદી નથી ફટકારી શક્યો. ગુરુવારે તેમણે ગુજરાત ટાઈટન્સ સામે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. આ સિઝનમાં આ માત્ર બીજી તેની ફિફટી છે.
શું હતી રવિ શાસ્ત્રીની સલાહ
પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી ઘણીવાર વિરાટને આરામ કરવાની સલાહ આપી ચૂક્યા છે. શાસ્ત્રીએ કહ્યું હતું કે, વિરાટ સતત મેચ રમીને થાકી ગયો છે અને તેને થોડા સમય માટે આરામ કરવાની જરૂર છે. શાસ્ત્રીના મતે વિરાટે થોડા મહિના માટે આરામ કરવો જોઈએ. ત્યાર બાદ તે ફ્રેશ થઈને મેદાનમાં ઉતરશે તો સારુ પ્રદર્શન કરી શકશે.
વિરાટે કહ્યું કે, એવું નથી કે દરેક વ્યક્તિ આરામ કરવાની સલાહ આપી રહ્યા છે. માત્ર એક વ્યક્તિ છે જે આ વાત પર સતત જોર આપી રહ્યા છે. તે છે રવિ ભાઈ, જેમણે મને છ - સાત વર્ષથી નજીકથી જોયો છે અને જે પરિસ્થિતિમાં હું રહ્યો છું તેની હકિકત જાણે છે. જેટલું ક્રિકેટ હું છેલ્લા 10-11 વર્ષમાં રમ્યો છું તે દરમિયાન ઘણા ઉચાર ચઢાવ આવ્યા છે. મે ત્રણેય ફોર્મેટ અને આઈપીએલ રમી છે. સતત 7 વર્ષ કેપ્ટન્સી પણ કરી.
દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરીને નિર્ણય લેશે
વિરાટે આગળ કહ્યું કે, તે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરીને ક્રિકેટમાંથી બ્રેક લેશે. તે એવા સમયે ક્રિકેટમાંથી આરામ લેશે જે ટીમના હિતમાં હોય. વિરાટે એમ પણ કહ્યું કે, તે તેના ખરાબ પ્રદર્શનથી નિરાશ નથી અને જીવનના આ સમયગાળામાં તેમણે ઘણુ શીખ્યું છે. મારે એક ખેલાડી તરીકે અને વ્યક્તિ તરીકે બધુ યોગ્ય કરવું. ચડતી પડતી જીવનનો ભાગ છે અને તેને ખબર છે કે તે એકવાર ફોર્મમાં આવી જશે પછી કેવી રીતે સતત રન બનાવી શકે છે.
આઈપીએલ બાદ શું છે વિરાટનો પ્લાન
વિરાટે કહ્યું કે, આઈપીએલ બાદ તે એશિયા કપ અને ટી 20 વર્લ્ડ જીતાડવા માગે છે. તે ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવા માટે કઈ પણ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, મારે સંતુલન બનાવીને આગળ વધવું છે. થોડો આરામ કરવો છે અને પોતાને ફ્રેશ કરવો છે. જો હું એકવાર લયમાં આવી જઈશ તો પછી પાછળ ફરીને જોવાની જરૂર નહીં રહે.