Google down: સોમવારે વિશ્વભરના ગૂગલ વપરાશકર્તાઓ માટે મુશ્કેલ દિવસ રહ્યો, કારણ કે કંપનીની મુખ્ય સેવાઓ જેવી કે જીમેઇલ, સર્ચ એન્જિન અને યુટ્યુબ સહિતની અનેક સેવાઓ અચાનક બંધ થઈ ગઈ. આ ઘટના 12 ઓગસ્ટે થયેલા વૈશ્વિક વિન્ડોઝ આઉટેજના થોડા દિવસો બાદ જ બની છે, જે ટેક જગતમાં ચિંતાનો વિષય બની રહી છે.


ઓનલાઇન સેવાઓની સ્થિતિનું નિરીક્ષણ કરતી વેબસાઇટ ડાઉનડિટેક્ટરે આ સમસ્યાને તરત જ પકડી પાડી અને નોંધ્યું કે સવારે 9 વાગ્યે ET (અમેરિકન સમય) આસપાસ ફરિયાદોની સંખ્યામાં અચાનક વધારો થયો. આ સમયે અમેરિકામાં મોટાભાગના લોકો તેમનો કાર્યદિવસ શરૂ કરી રહ્યા હતા, જેના કારણે આ સમસ્યાએ વધુ ધ્યાન ખેંચ્યું.


ડાઉનડિટેક્ટરના હીટ મેપ અનુસાર, આ સમસ્યાની સૌથી વધુ અસર લોસ એન્જેલસ અને ન્યૂયોર્ક સિટીમાં જોવા મળી, જ્યારે હ્યુસ્ટન, સાન ફ્રાન્સિસ્કો, ડલાસ, બોસ્ટન અને શિકાગો જેવા શહેરોમાં પણ મધ્યમ સ્તરની અસર નોંધાઈ.


અમેરિકામાં, મોટાભાગની ફરિયાદો (57%) ગૂગલ સર્ચ સાથે સંબંધિત હતી, જ્યારે 31% લોકોએ વેબસાઇટ એક્સેસ કરવામાં મુશ્કેલી અનુભવી અને 11% ગૂગલ ડ્રાઇવ સાથે સમસ્યાઓ નોંધાવી.


આ સમસ્યાની અસર માત્ર અમેરિકા પૂરતી મર્યાદિત ન રહેતા, યુકે, યુરોપ, એશિયા અને દક્ષિણ અમેરિકાના દેશોમાં પણ વપરાશકર્તાઓએ મુશ્કેલીઓનો સામનો કર્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર લોકોએ પોતાની નિરાશા વ્યક્ત કરી, જેમાં એક વપરાશકર્તાએ વ્યંગાત્મક રીતે લખ્યું, "ગૂગલ ડાઉન છે કે નહીં તે જાણવા માટે ગૂગલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું... લાગે છે કે મેં મારા પ્રશ્નનો જવાબ મેળવી લીધો છે."


જો કે કેટલાક વપરાશકર્તાઓએ જણાવ્યું કે તેમની સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે, ઘણા લોકો હજુ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. યુકેના એક વપરાશકર્તાએ જણાવ્યું કે, "યુકેમાં ગૂગલની સેવાઓ હજુ પણ સમસ્યાગ્રસ્ત છે, DNS મુદ્દાઓ છે અને ગૂગલ સર્ચ વારંવાર ડાઉન થઈ રહ્યું છે."


ગૂગલ તરફથી આ સમસ્યા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ કંપની દ્વારા આ મુદ્દાને ઝડપથી હલ કરવાના પ્રયાસો ચાલુ છે. આ સમસ્યાનું સમાધાન અને કારણ હજુ સુધી શોધી શકાયું નથી.


આ પણ વાંચોઃ BSNL 200MP કેમેરા સાથે 5G સ્માર્ટફોન લોન્ચ કરશે! કંપનીએ ટ્વીટ કરીને યુઝર્સને આપી માહિતી