મહારાષ્ટ્રઃ રસ્તા વચ્ચે યુવકે યુવતીને કર્યો પ્રપોઝ, જાણો પછી યુવતીએ શું આપ્યો જવાબ
મુંબઇઃ પોતાની ગર્લફ્રેન્ડને બાહોમાં લઇને રસ્તા વચ્ચે પ્રેમનો એકરાર કરવાનું એક યુવકને ભારે પડ્યું હતું. રસ્તા વચ્ચે પ્રેમનો એકરાર કરવા બદલ કપલે શહેર છોડવાનો વારો આવ્યો હતો. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ બન્યો છે જેમાં એક મુસ્લિમ યુવક મુસ્લિમ યુવતીને રસ્તા વચ્ચે પ્રપોઝ કરે છે જેનો યુવતી સ્વીકાર કરે છે. આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક કટ્ટર સંગઠનો અને લોકોએ યુવતી અને યુવકને ધમકી આપવાનું શરૂ કરી દીધુ હતું.
ઘટના મહારાષ્ટ્રના ભિવંડી જિલ્લાની છે. સૂત્રોના કહેવા પ્રમાણે, 11 માર્ચના રોજ સલીમ પોતાના કેટલાક મિત્રો સાથે શબનમ (બંન્ને નામ બદલ્યા છે.)ની કોલેજ પહોંચ્યો હતો. શબનમને આવતા જોઇ સલીમે કાર રોકી અને હાથમાં ગુલાબનું ફૂલ લઇ રસ્તા વચ્ચે જ ઘૂંટણીયે બેસી શબનમને પ્રપોઝ કર્યું હતું. જેનો શબનમે સ્વીકાર કર્યો હતો. દરમિયાન કોઇ અન્ય યુવકે આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો.
એક રિપોર્ટ પ્રમાણે, વીડિયો વાયરલ થતાં શબનમ અને સલીમને કટ્ટર ધાર્મિક સંગઠનો તરફથી ધમકી પણ મળવા લાગી હતી. ડીસીપી (ઝોન-2) મનોજ પાટીલના કહેવા પ્રમાણે, પીડિત યુવતીના પરિવાર તરફથી ફરીયાદ મળી છે. યુવક અને યુવતીને ધમકી આપનારા લોકો વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. વીડિયો શૂટ કરનારા અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા સામે પણ રિપોર્ટ દાખલ કરાશે.