જેટ એરવેઝની ફ્લાઇટનો ATS સાથેનો સંપર્ક તૂટ્યો, જર્મનીએ મોકલ્યા બે ફાઇટર પ્લેન
બર્લિનઃ મુંબઇથી લંડન જઇ રહેલી જેટ એરવેઝની ફ્લાઇટનો અચાનક સંપર્ક તૂટી જતાં જર્મનીએ પ્લેનને શોધવા માટે પોતાના બે ફાઇટર જેટ્સ ઉડાવ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે, જેટ એરવેઝની ફ્લાઇટ જર્મનીના કોલોગ્ને શહેર પરથી પસાર થઇ રહ્યું ત્યારે સ્થાનિક એટીસી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ફ્લાઇટનો એટીસી સંપર્ક તૂટ્યા બાદ જર્મનીએ બે ફાઇટર પ્લેન વિમાનની શોધ માટે રવાના કર્યા હતા. વિમાનમાં 330 મુસાફરો અને 15 ક્રૂ સભ્યો સવાર હતા.
જેટ એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જોકે, થોડી મિનિટો બાદ જેટ એરવેઝની ફ્લાઇટનો જર્મનીના લોકલ એર ટ્રાફિક કંન્ટ્રોલ સાથે સંપર્ક ફરીથી સ્થાપિત થઇ જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાની જાણકારી જર્મનીના અધિકારીઓ અને ભારતમાં ડીજીસીએને કરી દેવામાં આવી છે. જોકે, બાદમાં ફ્લાઇટ કોઇ પણ પ્રકારની અડચણ વિના લંડનના હિથ્રો એરપોર્ટ પરથી લેન્ડ થઇ હતી. તપાસ પ્રક્રિયા માટે ચાલકદળના તમામ સભ્યોને ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે.