Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી અને સાવરકુંડલા માર્કેટ યાર્ડના ડિરેક્ટર ચેતન માલાણી પર થયો જીવલેણ હુમલો. હુમલો કરાયો સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં. લોહીલુહાણ હાલતમાં ચેતન માલાણીને સારવાર અર્થે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઘટનાની જાણ થતાં જ પૂર્વ સાંસદ નારણ કાછડિયા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા. નારણ કાછડિયાએ દાવો કર્યો કે, ખડસલી ગામમાં સંપ બનાવવાની જગ્યા પર દબાણ કરાયું હતું. દબાણ કરનારા લોકોએ ચેતન માલાણી પર હુમલો કર્યો. ભાજપના જ નેતાઓએ સ્વીકાર્યું કે, અમરેલી જિલ્લામાં ગામેગામ દબાણ થયા છે. આ તરફ કૉંગ્રેસે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવી આરોપ લગાવ્યો કે, ભાજપમાં જૂથવાદ હોવાથી ભાજપના જ નેતાઓએ હુમલો કરાવ્યો હોઈ શકે.
કલોલ પાસેના મુલાસણા ગામે આચરાયેલા 10 હજાર કરોડ રૂપિયાની 60 લાખ ચોરસ મીટર જમીનને શ્રીસરકાર કરવાની કોઈ કાર્યવાહી નથી થઈ. કૌભાંડના માસ્ટર માઈન્ડ નિવૃત્ત આઈએએસ લાંગા હાલ આ મુદ્દે જેલમાં છે. મુલાસણાની જમીન મૂળ ખેડૂતોની હતી, ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ સરકારમાં જાય નહીં તે માટે પાંજરાપોળ ટ્રસ્ટને 99 વર્ષના ભાડા પટ્ટે આપી હતી. જમીન ગૌચર હતી અને ભાડા પટ્ટાને રીન્યુ કરવાની શરતના નિયમોનો ભંગ થયો હતો. ખેડૂતોએ શહેરી વિસ્તાર ટોચ જમીન મર્યાદા કાયદાનો તો ભંગ કર્યો હતો, પછી સરકારના અધિકારીઓ, પદાધિકારીઓએ નિયમો-અભિપ્રાયો ફેરવી જમીનને મૂળ માલિકોના વારસદારોના નામ 7-12ની નોંધમાં ઉમેરી માલીકી તબદીલ કરી દીધી હતી.. ગાંધીનગરના તત્કાલિન કલેક્ટર લાંગાએ બિનખેતી હુકમ કર્યો અને પછી વખતો વખત વેચાણ પણ થયું....ગૌચર, ગણોતધારાની કલમ 88B, શહેરી વિસ્તાર ખેતીની ટોચની જમીનના કાયદા ઉપરાંત પબ્લિક ટ્રસ્ટ કાયદાનું ઉલ્લંઘન કરાયું હતું.