Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશે
સૌરાષ્ટ્રના માર્કેટિંગયાર્ડ બાદ હવે સુરત APMC સુધી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ પહોંચી ચૂક્યું છે. સુરત APMCમાં હરાજી માટે લાવવામાં આવેલું 2 હજાર 150 કિલો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવાયો. APMCમાં વેચાણ અર્થે લસણ મૂકવામાં આવ્યું હતું. આ લસણ પર APMCના સ્ટાફને શંકા જતા તેમણે તપાસ કરી તો ચાઈનીઝ લસણ જણાયું. આ લસણની અંદાજિત કિંમત 10 લાખ રૂપિયા થાય છે. માર્કેટમાં લસણના ભાવ આસમાને છે. લસણનો ભાવ આ વર્ષે 400થી 500 રૂપિયાની આસપાસ રહેતા ચાઈનીઝ લસણ માર્કેટમાં આવી રહ્યું છે. ચાઈનીઝ લસણ દેશી લસણ કરતા સસ્તું હોય છે. તેથી નફો કમાવાની લાલચે ચાઈનીઝ લસણ APMCમાં વેચાણ અર્થે લાવી રહ્યા છે.
કેવું હોય છે ચાઈનીઝ લસણ?
વર્ષ 2014થી જ ભારતમાં ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ છે. આ લસણ હાનિકારણ દવાના છંટકાવથી પકવવામાં આવે છે અને સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક છે. ચાઈનીઝ લસણ કદમાં ભારતીય લસણ કરતા નાનું હોય છે. તેનો કલર આછો સફેદ અથવા આછો પિંક હોય છે. કોઈક વખત લાઈટ બ્રાઉન કલરનું પણ ચાઈનીઝ લસણ જોવા મળે છે. જ્યારે ભારતીય લસણ એકદમ સફેદ હોય છે. આ ઉપરાંત ભારતીય લસણની સુગંધ તીખી હોય છે. જ્યારે ચાઈનીઝ લસણની સુગંધ હળવી અને સ્વાદમાં ફિક્કું હોય છે.