Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાનો કકળાટ
21મી સદી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ. આજના યુગમાં વિજ્ઞાને કરેલી પ્રગતિની વાતો થઈ રહી છે. પરંતું આજે પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી કરતા અંધશ્રદ્ધા પર વધુ શ્રદ્ધા છે. કાળી ચૌદશના દિવસે આજે ખાસ પ્રકારની વિશેષ પૂજા-અર્ચના થાય છે. જોકે કેટલીક ગેરમાન્યતાઓ પણ છે.. આજના દિવસે સ્મશાનમાં તાંત્રિક વિદ્યાના નામે તમાશાઓ થશે. પરંતું વાસ્તવિકતા એ છે કે આ બધા નર્યા તૂત છે. તેથી વિશેષ કંઈ નથી. ખરા અર્થમાં તો કાળી ચૌદશ એટલે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો તહેવાર છે. આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરી પ્રજાજનોને ત્રાસમાંથી ઉગાર્યા હતાં.
આધુનિક યુગમાં અંધશ્રદ્ધા ફેલાવતી ઘટના સામે આવી રાજકોટના ધોરાજીમાં. ધોરાજીમાં રહેતા અશ્વિન મકવાણાનો સ્મશાનમાં તાંત્રિક વિધીનો વીડિયો વાયરલ થયો. આ વાયરલ વીડિયોમાં ક્યારેક તે ચિત્તા રાખવાની જગ્યા પર બેઠો તો ક્યારેક ત્યાં જ સૂઈ ગયો. તો બાદમાં કોઈ તાંત્રિક વિધી કરતો જોવા મળ્યો. વાયરલ વીડિયોથી હડકંપ મચી ગયો. તો વીડિયો બાદ લોકોમાં પણ રોષ ફેલાયો. વાયરલ વીડિયો બાદ પોલીસ પણ એકશનમાં આવી અને ગણતરીની કલાકોમાં તાંત્રિક વિધી કરનારા યુવકને ઝડપી પાડ્યો.
ભાવનગરમાં તો હજુ એક સપ્તાહ પૂર્વે જ અઘોરી બાવાનો સ્મશાનનો વીડિયો વાયરલ થયો. આ વાયરલ વીડિયો શહેના કુંભારવાડા સ્મશાનગૃહ હોવાનું ચર્ચાઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અઘોરી ચિતાની રાખ ખાઈ રહ્યો છે. ક્યારેક ચિત્તાની રાખ ખાય છે તો ક્યારેય હિંદુ દેવી- દેવતાઓને ગાળો ભાંડી રહ્યો છે. અઘોરી બાવાના વાયરલ વીડિયોના પગલે હિંદુ સમાજમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો.