Hun to Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટ રાજનીતિ
ઈમાનદાર પાર્ટી હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીના જ સુરતના 2 કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે ભ્રષ્ટાચારનો ACBમાં નોંધાયો છે ગુનો. આ મુદ્દે કોર્પોરેટર વિપુલ સુહાગિયાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા છે. જ્યારે અન્ય એક કોર્પોરેટર જીતુ કાછડિયા ફરાર છે. પૂણા વોર્ડ નંબર 16 અને 17ના બંને કોર્પોરેટરે કોન્ટ્રાક્ટર પાસે 10 લાખ રૂપિયાની લાંચ માગી હોવાનો આરોપ છે. કોર્પોરેશનના મગોબ ગામની સીમમાં મલ્ટીલેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અંગે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ફરિયાદી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. આ પે એન્ડ પાર્કની જગ્યાની બાજુમાં કોર્પોરેશને શાકમાર્કેટની જગ્યા પણ ફાળવી છે. આ બંને કોર્પોરેટરે આ જગ્યાની મુલાકાત લીધી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે દબાણ કર્યાનું જણાવી ફરિયાદી સાથે બોલાચાલી કરી અને પોલીસ ફરિયાદ કરવાની તેમજ કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી. ત્યારબાદ કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદે દબાણ કરવા બાબતનું માફીપત્ર પણ લખાવ્યું. અને કોર્પોરેટરોએ ધમકી આપી કે જો કોન્ટ્રાક્ટ રદ કરાવવાથી બચવું હોય તો 11 લાખ રૂપિયા આપવા પડશે. આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રેક્ટ સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માગણી અંગેની વાત કરી. અને રકઝક બાદ 10 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું....આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રેક્ટરે ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ વાતચીતમાં આરોપીઓ નાણાંને બદલે ડોક્યુમેન્ટ કોડવર્ડ રાખ્યો હતો. કોન્ટ્રેક્ટર પોતે આ લાંચ આપવા માગતા ન હતા, જેથી તેમણે વાતચીતના રેકોર્ડિંગની CD સાથે ACBમાં અરજી કરી. જેના આધારે ACBએ પ્રાથમિક તપાસ હાથ ધરી. આ અંગે CDમાં રેકોર્ડ થયેલા સંવાદોનું અવલોકન કરતાં બંને કોર્પોરેટર આરોપીઓએ લાંચની માંગણી કરી હોવાની હકીકતની પુષ્ટિ થતા એક કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી. જો કે, કોર્પોરેટર અને વચેટિયા વચ્ચે શું વાતચીત થઈ તેનો ઓડિયો સાંભળી લઈએ.