Hun To Bolish | હું તો બોલીશ | દિવાળીમાં મુસાફરી મોંઘી કેમ?
દિવાળીના તહેવારમાં માદરે વતન જવા માટે રાજ્યના અલગ અલગ શહેરોમાં એસટી સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં પરિવારની સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવા લોકોએ વતનની વાટ પકડી છે. વહેલી સવારથી જ એસટી સ્ટેશન પર લોકો ઉમટ્યા છે. તો દિવાળીને ધ્યાને રાખી એસટી વિભાગ વધારાની બસ દોડાવી રહ્યું છે. દિવાળીના તહેવાર પર 8 હજાર 340 એકસ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાશે. મુસાફરો ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકે છે. ભાવનગર, અમરેલી, જુનાગઢ અને રાજકોટમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો સુરતમાં સ્થાયી થયા છે. આવા લોકો તહેવારો પર ઘરે જઈ શકે તે માટે 2 હજાર 200 એક્સ્ટ્રા બસનું સંચાલન કરાશે. સુરતથી અમરેલી માટે 166, સુરતથી ભાવનગર માટે 217 અને સુરતથી બોટાદ માટે 26 એસટી બસ બુક થઈ ચુકી છે.
તો બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ બસના ભાડામાં વધારો કર્યો છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી લકઝરી બસમાં સામાન્ય દિવસોમાં સિંગલ સીટના 700 રૂપિયા ટિકીટ વસૂલાતી હતી. દિવાળીના તહેવારમાં હવે 1 હજાર 400 રૂપિયા વસૂલી રહ્યા છે. આવી જ રીતે ડબલ સિટીંગની ટિકીટ 1200 રૂપિયા હતી તેના ભાડું વધારીને 2 હજાર 400 રૂપિયા કરી દેવાયું છે. હાલ તો વતન જતા મુસાફરોએ કહ્યું કે ખાનગી લકઝરી બસો રીતસરની લૂંટ ચલાવી રહી છે.. ત્યારે આ લૂંટ પર બ્રેક લગાવવામાં આવે. આ તરફ ડાયમંડ વર્કર યુનિયને પણ ખાનગી લકઝરી બસોની લૂંટ પર બ્રેક લગાવવા માગ કરી.