Hun to Bolish | હું તો બોલીશ | વકફ એક્ટનું ફેક્ટ
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આજે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું. આ બિલ પાસ થયા બાદ વક્ફ બોર્ડ પોતાની મિલકત તરીકે કોઈ પણ મિલકતનો દાવો કરી શકશે નહીં. હાલમાં વક્ફ પાસે કોઈપણ જમીનને તેની મિલકત તરીકે જાહેર કરવાની સત્તા છે. જમીનનો દાવો કરતા પહેલાં તેની ખરાઈ કરવી પડશે. તેનાથી બોર્ડની મનમાની અટકશે. બોર્ડની પુનઃરચનાથી બોર્ડના તમામ વિભાગો સહિત મહિલાઓની ભાગીદારીમાં પણ વધારો થશે. મુસ્લિમ બૌદ્ધિકો, મહિલાઓ, શિયાઓ અને વોરા જેવાં જૂથો લાંબા સમયથી વર્તમાન કાયદામાં ફેરફારની માંગ કરી રહ્યાં છે. ત્યારે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું...બિલ રજૂ થતા જ સંસદમાં હોબાળો થયો. આ બિલનો કોંગ્રેસ, SP, NCP(શરદ પવાર), AIMIM, TMC, CPI(M), IUML, DMK, RSPએ વિરોધ કર્યો. વિપક્ષ વતી કેસી વેણુગોપાલે આના પર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે, આ ધર્મ અને બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો પર હુમલો છે. સરકાર સમુદાયો વચ્ચે વિવાદ ઊભો કરવા માંગે છે. આ બિલને લઈને સરકારનો ઈરાદો સારો નથી. દેશના લોકોને વિભાજિત કરવા માંગે છે. જેને લઈને કિરણ રિજિજુએ કહ્યું. અગાઉ પણ વક્ફ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા છે. અમે સચ્ચર કમિટીના રિપોર્ટના આધારે ફેરફાર કરી રહ્યા છીએ. આ કમિટીની રચના કોંગ્રેસે જ કરી હતી. સપા સાંસદ મોહિબુલ્લાહે કહ્યું, વક્ફ સંશોધન બિલ મુસ્લિમોના અધિકારોની વિરુદ્ધ છે. આ બિલ મજહબમાં દખલગીરી છે. જો આમ થશે તો દેશમાં કોઈ લઘુમતી સુરક્ષિતતા અનુભવશે નહીં. ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય, ડીએમકે સાંસદ કે. કનિમોઝીએ આ બિલને બંધારણ વિરોધી ગણાવ્યું. દેશમાં કુલ 32 વકફ બોર્ડ છે. વકફ બોર્ડ પાસે સેના, રેલવે બાદ સૌથી વધુ 9.4 લાખ એકર જમીન છે. વકફ બોર્ડની સંપત્તિની વાત કરવામાં આવે તો કુલ 8 લાખ 70 હજાર જેટલી સ્થાવર મિલકતો છે. જેની કુલ કિંમત 1.2 લાખ કરોડ રૂપિયા થાય છે.