Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કી
અમદાવાદ શહેરમાં રોડ રસ્તા અને જાહેર સ્થળો પર પાન-તમાકુ ખાઇને થૂકતા લોકો શહેરની સુંદરતા બગાડે છે. ત્યારે આ બાબતે કડક પગલાં લેવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી એ અગત્યનો નિર્ણય કર્યો છે, જેમાં શહેરના જાહેર રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારતા લોકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. રસ્તા ઉપર થૂકીને કે પાન મસાલાની પિચકારી મારીને રસ્તો ગંદો કરતા લોકો વિરૂદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવશે.
દેશના શહેરોમાં અમદાવાદને પ્રથમ હેરિટેજ સીટી તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણમાં પણ શહેરને ઉત્તરોત્તર પ્રગતિ મળી છે. પરંતુ અમદાવાદમાં કેટલાક લોકો દ્વારા ટ્રાફિક જંકશનો, બીઆરટીએસ, કોરિડોરની ગ્રીલ્સ તેમજ ડિવાઈડરોને કરોડો રુપિયાના ખર્ચે સેંકડો લોકો સાફ કરતાં હોવા છતાં ફરીથી ગંદી કરવામાં આવે છે. જેની પાછળનું કારણ છે પાન મસાલા. લોકો પાન મસાલા ખાઈને થૂંકી નાંખે છે.
જ્યાં ત્યાં થૂંકતા લોકો સામે AMCનો સોલિડ વેસ્ટ વિભાગ કાર્યવાહી કરશે, ચાર રસ્તા પર લગાડવામાં આવેલા ટ્રાફિક CCTV કેમેરા અત્યાર સુધી માત્ર ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા લોકોને મેમો આપતા હતા. ત્યારે હવે આ કેમેરા દ્વારા જાહેર રસ્તાને ગંદો કરતા અને શહેરમાં ગંદકી ફેલાવતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આ કેમેરામાં જો તમે જાહેર રસ્તા પર પાન મસાલાની પિચકારી મારતા કે થૂંકતા પકડાશો, તો તમારે દંડ ભરવો પડશે અને તમારા વિરૂદ્ધ અમદાવાદ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ વિભાગ કાર્યવાહી કરશે.