Hun to Bolish | હું તો બોલીશ | બુટલેગરોનો હવે વાગશે બૂચ?
ગુજરાત નશાબંધી સુધારા વિધેયક. જે આજે વિધાનસભા ગૃહમાં પસાર થયું. આ સાથે જ હવે નશીલા પદાર્થની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી થઈ શકશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતા કહ્યું કે, રાજ્યમાં દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા અને ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજીવાર ઉપયોગમાં ન થાય અને રાષ્ટ્રીય સંપતિ પોલીસ સ્ટેશનમાં પડી પડી ભંગાર ન બને તે હેતુ અધિનિયમમાં સુધારો કરાયો છે. આ પ્રકારના વાહનોની હરાજી કરીને તેના નાણાનો ઉપયોગ સમાજ હિત અને સરકારી યોજનાઓ પાછળ કરવામાં આવશે. આવું કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. દારૂની હેરફેરના કેસોમાં છેલ્લા 2 વર્ષમાં પોલીસે 22 હજાર 442 વાહનો જપ્ત કર્યા. જેમાંથી 7 હજાર 213 વાહનો હજુ પોલીસ સ્ટેશનમાં ભંગાર બની રહ્યા છે. હવે આ પ્રકારના વાહનોની હરાજી કરવાની સત્તા DySP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. આવા ભંગાર થયેલા વાહનોની હરાજી બાદ જો કોઈ વ્યક્તિ નામદાર કોર્ટમાંથી નિર્દોષ સાબિત થાય, તેનું વાહન હરાજીમાં વેચાઈ ગયું હોય તો જે તે માલિકને હરાજીમાં મળેલી રકમ વર્ષે 5 ટકાના વ્યાજ સાથે પરત આપવામાં આવશે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ગુજરાતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ગુનાઓમાં 300 જેટલી લક્ઝુરીયસ કાર જપ્ત થયેલી પડી છે. આ કાયદામાં સુધારો થવાથી આ કારની હરાજીમાં કરોડોની રકમ પ્રાપ્ત થશે. વાહનો લાંબા સમય સુધી બિનઉપયોગ સ્થિતિમાં પડ્યા રહેતા હોવાથી વાહનો ખરાબ થાય છે અને વાહનોની વેલ્યુમાં સતત ઘટાડો થાય છે. ઉપરાંત જપ્ત કરેલ વાહનોની જાળવણીનાં તેમજ જપ્ત કરાયેલ વાહનો રાખવા માટે જગ્યાનો પણ પ્રશ્ન ઉદભવે છે. આ પરિસ્થિતિ નિવારવા તમામ મુદ્દાઓને ધ્યાને લઇ આ બિલ લાવવામાં આવ્યું છે. આ કાયદો 20 લીટરથી વધારે દારુ પકડાય તેવા વાહનો માટે છે. નાના માણસોને કોઈપણ જાતનું કોઈ નુકશાન કે હેરાનગતિ ન થાય તે બાબતે ધ્યાન રખાશે. દારૂના મોટા પાયે વેપાર કરતા બુટલેગરોના વાહનો જપ્ત કરીને તેની હરાજી કરી આ રકમનો ઉપયોગ નાગરિકોના હિત માટે કરવામાં આવશે.