Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયા
રાજ્યભરમાં હોબાળો મચાવનારી અમદાવાદના એસજી હાઈવે પરની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આખરે સરકાર તરફથી પાંચ સામે ફરિયાદ નોંધાયા બાદ હવે ધરપકડનો દૌર શરૂ થયો છે. આજે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અલગ-અલગ ત્રણ ઘટનાઓ સામે આવી. પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીની કલાકોમાં ડૉ. પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી. આ તરફ મની માફિયાઓના કાંડના પર્દાફાશ બાદ હોસ્પિટલ સૂમસામ બની છે. આ તરફ ગઈકાલ સુધી મીડિયા સામે નફ્ફટાઈ કરનારા અને તપાસમાં સહયોગની ખાતરી આપનારા નફ્ફટ CEO ચિરાગ રાજપૂત ફરિયાદ નોંધાતા જ ભૂગર્ભમાં ઉતરી ગયા. તો ખ્યાતિ ગ્રુપના કાર્તિક પટેલ તો વિદેશ પ્રવાસે ઉપડી ગયા. આ તરફ હોસ્પિટલનો કાંડ સામે આવ્યા બાદ કડીના બોરીસણાના ગ્રામજનો ન્યાયની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કર્યો.
સાજા-સારા 19-19 લોકોની એન્જિયોગ્રાફી કરી જીવ સાથે ખેલનારા ડૉ. પ્રશાંત વજીરાણીની આજે પોલીસે ધરપકડ કરી લીધી. વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી લીધા બાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાયું.. સાંજના વસ્ત્રાપુર પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ સાથે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો. જ્યાં કોર્ટે આરોપીના 21 નવેમ્બર સાંજે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. આ તરફ ગઈકાલ સુધી બે-બે નિર્દોષોના ભોગ બાદ મીડિયા સમક્ષ અટ્ટહાસ્ય કરી અને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપનારો CEO ચિરાગ રાજપૂત બુધવારના ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસે ચિરાગ રાજપૂતની શોધખોળ શરૂ કરી છે પણ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી... જ્યારે ખ્યાતિ ગ્રુપના કાર્તિક પટેલ તો ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ પહેલાથી જ વિદેશ પ્રવાસે હોવાની ચર્ચા છે. જોકે ક્યાં છે તે અંગે હજુ સુધી પોલીસને પણ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. સૂત્રોએ તો કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં હોવાનો દાવો કર્યો...