Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાની ગોળી
અરવલ્લીના ભીલોડા તાલુકાનું રામપુરી ગામ. જ્યાં એક મહિલાની ગોળી મારીને કરી દેવાઈ હતી હત્યા. પોલીસ તપાસમાં થયો છે ચોંકાવનારો ખુલાસો. ડાકણનો વહેમ રાખી નજીકમાં જ રહેતા એક કુટુંબીજને 45 વર્ષીય ઉર્મિલાબેન તબિયારની હત્યા કરી હતી. આરોપી રાજેશ તબિયાર. ઉર્મિલાબેનને ડાકણ હોવાનું કહી અવાર-નવાર હેરાન કરતો. આ મામલે તેમણે અગાઉ ફરિયાદ પણ આપી હતી. મૃતકના પતિ અમદાવાદની એક સ્કૂલમાં બસ ચલાવે છે. જ્યારે ઉર્મિલાબેન તેના બે પુત્રો સાથે ગામમાં રહેતા..સોમવારની રાત્રે ઉર્મિલાબેન અને તેના બંને પુત્રો ઘરમાં સૂતા હતા. આ સમયે અચાનક ભડાકાનો અવાજ આવ્યો. મોટો પુત્ર જાગી ગયો અને લાઈટ ચાલું કરીને જોયું તો જાળીમાંથી ઘરની બહાર આરોપી રાજેશ દેખાયો. તેના હાથમાં રિવોલ્વર હતી. આ તરફ તેની માતાના પગમાં ગોળી વાગી હતી. ફાયરિંગનો અવાજ સાંભળી આસપાસના લોકો પણ દોડી આવ્યા. આ દરમિયાન આરોપી રાજેશ ત્યાંથી ભાગી ગયો. ઉર્મિલાબેનને સારવાર અર્થે ભિલોડાની હોસ્પિટલમાં લઈ જવાયા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા. હાલ તો પોલીસે આરોપી રાજેશ તબિયારની શોધખોળ શરૂ કરી છે.