Hun To Bolish | હું તો બોલીશ | તીસરી આંખને અંધાપો

Continues below advertisement

11 ઓક્ટોબરે મોડી રાત્રે અમદાવાદના જીવરાજ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની. એક કાર ચાલક 28 વર્ષીય રાજેન્દ્ર પારગીને અડફેટે લઈ ફરાર થઈ ગયો. ગંભીર ઈજાના કારણે રાજેન્દ્ર પારગીનું ઘટના સ્થળે જ મોત થયું..મૃતક મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો રહેવાસી હતો. પોલીસે આરોપીની તપાસ કરવા માટે સીસીટીવી તપાસ્યા ત્યારે ખબર પડી કે સીસીટીવી તો બંધ હાલતમાં છે. મૃતકના સાથીદારોએ આપેલા કાર નંબરના આધારે આરોપીની પોલીસે ધરપકડ કરી. જો કે આ ઘટનાનો આરોપી જામીન પર છૂટી ગયો છે...અકસ્માત સ્થળે સીસીટીવી બંધ હોવાનું બહાર આવતા એબીપી અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કર્યું. તો જીવરાજ બ્રિજ પર લાગેલા અન્ય સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા. તાજેતરમાં જ બ્રિજ પર CCTV કેમેરા લગાવાયા હતા. પરંતુ તેના વાયરિંગનું કામ બાકી હોવાના કારણે કાર્યરત નથી. 

ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદને દેશના પ્રથમ વીસ શહેરમાં સ્થાન મળ્યું છે. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેકટ અંતર્ગત શહેરના તમામ ટ્રાફિક જંકશન ઉપર CCTV કેમેરા લગાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ શહેરના 290 પૈકી 160 ટ્રાફિક જંકશન ઉપર CCTV કેમેરા જ ન હોવાનું RTIમાં સામે આવ્યું છે. 130 ટ્રાફિક જંકશન ઉપર 1 હજાર 999 CCTV કેમેરા લગાવવા રુપિયા 16.20 કરોડનો ખર્ચ કરવામા આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બાકીના ટ્રાફિક જંકશન ઉપર CCTV કેમેરા લગાવવા કોઈ જ ખર્ચ કરાયો નથી. જેના કારણે શહેર પોલીસ ચોરી, લૂંટ, અકસ્માત  જેવા ગુનાઓમાં ગુનેગારોને પકડી શકતી નથી. અમદાવાદના હેબતપુર ચાર રસ્તા, કર્ણાવતી ક્લબ, સિંધુભવન રોડ, ટાઈમ્સ સ્કવેર રોડ, YMCA ક્રોસ રોડના ટ્રાફિક જંક્શન પર સીસીટીવી કેમેરા નથી લગાવવામાં આવ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram