Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલી
Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલી
ગુજરાતમાં ટોલટેક્સ વાહનચાલકોની કમ્મરો તોડી રહ્યા છે... કમર તોડેને જ કારણ કે અનેક ટોલનાકાની તો સમય મર્યાદા પછી પણ ટોલ વસૂલાઈ રહ્યો છે... અનેક સ્થળે તો રોડ-રસ્તા ચાલવા યોગ્ય નથી તેમ છતાં તોતિંગ ટોલ વસૂલાઈ રહ્યો છે.... આટલું ઓછુ હોય તેમ મહારાષ્ટ્રની ચૂંટણીઓ હજુ તો પૂર્ણ થઈ ત્યાં તો ટોલટેક્સમાં 75 ટકા સુધીનો વધારો કરી નંખાયો... હવે આવી સ્થિતિમાં તો વાહનચાલકોની કમર તૂટે તે સ્વભાવિક છે....
નવસારીના બોરિયાચ ટોલટેક્સમાં વધારો
નવસારી જિલ્લાની બોરિયાચ ગામની હદમાં આવેલું ટોલનાકું 18 વર્ષથી કાર્યરત છે... બોરિયાચ ટોલનાકા પરથી દૈનિક અંદાજે 15થી 22 હજાર વાહનોની અવરજવર રહે છે... 18 વર્ષથી ધમધમતા આ ટોલનાકાએ ટોલ પેટે કરોડોની આવક રળી સરકારી તિજોરીમાં જમા પણ કરાવી દીધો... ત્યારે ફરી એકવાર અહીં ટોલના દરમાં 10થી 20 ટકા નહીં પણ દરેક પ્રકારના વાહન પર સરેરાશ 75 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો... અગાઉ મહિનામાં બે વખત વધારો મુલતવી રખાયા બાદ મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો બાદ સોમવારથી મધ્યરાત્રિથી અમલ પણ કરી દીધો... તોતિંગ વધારા સામે વાહનચાલકોમાં નારાજગી જોવા મળી... અગાઉ 65 રૂપિયા જે ટોલ હતો તે વધારીને 115 કરી દેવામાં આવ્યો છે.... ટોલ દરમાં તોતિંગ વધારાના પગલે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી ટોલદરમાં ઘટાડાની માગ કરી.. જો ઘટાડો ન થાય તો આગામી સમયમાં ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી
વલસાડના બગવાડા ટોલટેક્સમાં વધારો
આ તરફ એક મહિનામાં બે વખત ટેક્સ વધારો મુલતવી રાખવાની ફરજ પડી હતી વલસાડ જિલ્લામાં ટોલના દરમાં તોતિંગ 75 ટકા વધારો કરી દેવાયો... અહીં પણ અગાઉ 65 રૂપિયા જે ટોલ હતો તે વધારીને 115 કરી દેવામાં આવ્યો છે.... ટ્રાન્સપોર્ટરો, વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોના વિરોધ વચ્ચે બગવાડા ટોલટેક્સના દરમાં પણ વધારો કરી દેવાયો... વાપીથી 8 કિ.મી.ના અંતરે આવેલા બગવાડા ટોલ નાકા પર છેલ્લા બે માસમાં ત્રણ વખત ટોલટેકસમાં ટેકસ વધારાની જાહેરાત કરવામાં આવી હતી,પરંતુ સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી આ વધારો મુલતવી રખાયો હતો,પરંતુ મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામના બીજા જ દિવસે વાપીના બગવાડા ટોલનાકા પર ટોલના દરમાં વધારો કરી દેવાયો...
કરજણમાં પણ ટોલના દરમાં વધારાનો વિરોધ
આ તરફ વડોદરા નેશનલ હાઈવે પર કરજણના ટોલટેક્સમાં પણ વધારો ઝીંકી દેવાયો.. અગાઉ ટોલ ટેક્સ 155 રૂપિયા હતો અને 24 કલાક ફ્રીમાં આવન-જાવન કરી શકાતી હતી... જોકે અહીં પણ ટોલના દરમાં 75 રૂપિયા વધારી 230 રૂપિયા કરી દેવામાં આવ્યાં... આ વધારો પણ વનટાઈમ આવન-જાવન માટે છે.... અહીં પણ ટોલમાં કરાયેલા વધારાનો વિરોધ કરાયો અને જો ટૂંક સમયમાં ભાવ વધારો પરત ન ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી....
સંસદમાં ખુલાસો 9 નેશનલ હાઈવેના ખર્ચથી વધુ ટોલ વસૂલાયો
ગુજરાતમાં 9 નેશનલ હાઇ-વે એવા છે જેના પર ટોલ ટેક્સની કમાણી હાઇ-વેના નિર્માણ ખર્ચ કરતાં વધુ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ, રાજ્યના 53 ટોલ પ્લાઝા પરથી હાલ સુધી 24780 કરોડ ટોલ વસૂલાયો છે. આ 9 નેશનલ હાઇ-વે બનાવવાનો ખર્ચ 11061 કરોડ થયો હતો, જેના પર અત્યાર સુધી 19483 કરોડ ટોલ લોકો પાસેથી વસૂલાયો છે. ભરૂચ-સુરત, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, વડોદરા-ભરૂચ અને ગારામોર-સામખિયાળી એવા નેશનલ હાઇ-વે છે જેના પર નિર્માણ ખર્ચ કરતાં બમણો ટોલ ટેક્સ વસૂલાયો છે. તો સરકારે સંસદમાં એ પણ સ્વીકાર કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 1,464 કિમીના રોડને નેશનલ હાઈવેનો દરજ્જો મળ્યો છે... ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના તાજેતરના રિપોર્ટ મુજબ, રાજ્યમાં નેશનલ હાઇવે પર 3500થી વધુ અકસ્માતમાં 2100 લોકોના મોત અકસ્માતમાં નિપજ્યાં હતા.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીનો શું છે દાવો
અગાઉ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી કહી ચૂક્યા છે કે 60 કિમીની અંદર બે ટોલનાકા ન હોઈ શકે... પણ ગુજરાતમાં અનેક ઠેકાણે 60 કિમીથી ઓછા અંતરે અનેક ટોલનાકા ધમધમી રહ્યા છે