આનંદીબેને કહ્યું- એ સમયે નરેન્દ્રભાઇ અમારી જીપના ડ્રાઇવર રહેતા
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તક 'આનંદીબેન કર્મયાત્રી'નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બોલતા આનંદીબેન પટેલે સંગઠનના દિવસોના સંસ્મરણનો વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે જ્યારે ભાજપમાં સંગઠનમાં હતા ત્યારે નરેન્દ્ર મોદી અમારી જીપના ડ્રાઇવર રહેતા હતા અને વિવિધ મોરચાના પ્રમુખોને પાછળ જીપમાં બેસાડી ફેરવતા હતા.
વડાપ્રધાન મોદીને પોતાના ગુરુ ગણાવતા આનંદીબેન પટેલે કહ્યું કે, મારી રાજકીય કારકિર્દીમાં નરેન્દ્રભાઇ માર્ગદર્શક રહ્યા છે, મને રાજકારણમાં નરેન્દ્ર મોદી લાવ્યા હતા, મારો રાજકીય પ્રવેશનો નિણૅય અમદાવાદ ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસેના એક ઝાડ નીચે લેવાયો હતો.
અમિત શાહે કહ્યું કે, ‘હું આનંદીબેનનું કોમ્પ્યુટર વાપરતો હતો, બેનનું પુસ્તક ગુજરાતની દીકરીઓ માટે ગીતા સમાન છે’ ‘આનંદીબેન પટેલ કર્મયાત્રી'માં ખેડૂતપુત્રીથી માંડીને રાજકારણમાં જોડાયાની વાતને આવરી લેવામાં આવી છે. શિક્ષણથી માંડીને ભાજપમાં સંગઠન સહિત મુખ્યમંત્રી બાદ રાજ્યપાલ સુધીની સફરને આવરી લેવામાં આવી છે.