નાગપુરઃ બીફની શંકામાં એક વ્યક્તિની લોકોએ કરી મારપીટ, MLAના સંગઠન પર આરોપ
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના નાગપુરમાં બીફ લઇ જવાના આરોપમાં એક વ્યક્તિને કેટલાક વ્યક્તિઓએ માર માર્યો હતો. આશ્વર્યની વાત એ છે કે નજીકમાં ઉભેલા અન્ય વ્યક્તિઓ તેને બચાવવાના બદલે મોબાઇલથી વીડિયો બનાવવામાં મશગૂલ રહ્યા હતા. પોલીસે આ મામલે પ્રહાર સંગઠનના ચાર લોકોની ધરપકડ કરી છે. તમામ આરોપી સ્થાનિક ધારાસભ્ય બચ્ચૂ કાડૂના માણસો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એક રિપોર્ટ પ્રમાણે, નાગપુર જિલ્લાના જલાલખેડામાં બીફ લઇ જવાના આરોપમાં લોકોએ એક વ્યક્તિને માર માર્યો હતો. ત્યાં હાજર કોઇ પણ પીડિત વ્યક્તિની મદદે આવ્યું નહોતું. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યો હતો.
પીડિતની પત્ની ઝરીનના કહેવા પ્રમાણે, તેના પતિ મટન લઇને આવી રહ્યા હતા. ત્યારે છ સાત લોકોએ બીફની શંકામાં તેમને પકડ્યા હતા અને તેમની સાથે મારપીટ કરી હતી. આરોપીને કડક સજા આપવામાં આવે.
પોલીસે કહ્યું કે, બીફ લઇ જવાની શંકામાં 40 વર્ષીય એક વ્યક્તિને કેટલાક લોકોએ માર માર્યો હતો. આ મામલે ચાર લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓમાં મારેશ્વર લક્ષ્મણ રાવ તંડુલરકર, જગદીશ રામચંદ્ર ચૌધરી, અશ્વિન રાવ અને રામેશ્વર શેશ રાવ તાવડેનો સમાવેશ થાય છે.